અમદાવાદ : ગુજરાત ટાઈટન્સ રાજસ્થાન રોયલ્સને હરાવીને IPL 2022ની ફાઈનલમાં પહોંચી ગઈ છે. હજુ ત્રણ ટીમો વચ્ચે ટક્કર થયા બાદ રાજસ્થાન, બેંગ્લોર કે લખનૌમાંથી એક ટીમ ફાઈનલમાં પહોંચશે. મહત્વનું છે કે IPL ફાઈનલ દુનિયાના સૌથી મોટા અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. આવામાં મેચ જોવા માટે ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં IPL ટૂર્નામેન્ટની અંતિમ બે મેચ રમાવાની છે. જે રીતે ફાઈનલ મેચમાં ગુજરાતની ટીમ પહોંચી છે તેવામાં મજબૂત સંભાવનાઓ છે કે વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મેચ જોવા માટે પહોંચી શકે છે. આ સિવાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને બોલિવૂડની અનેક સેલિબ્રિટી ઉપસ્થિત રહી શકે છે.
શુક્રવારે ક્વોલિફાયર-2 અને રવિવારે ફાઇનલ રમાશે. 1 લાખની ક્ષમતા હોવા છતાં સ્ટેડિયમ હાઉસફુલ બને એવી શક્યતા છે. આ સંદર્ભમાં સુરક્ષાની સમીક્ષા કરવા અમદાવાદ પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ સોમવારે સ્ટેડિયમ ખાતે પહોંચી હતી