અમદાવાદ : અમદાવાદના જાણીતા મીઠાઈ હાઉસની મીઠાઈમાં ફૂગ નીકળ્યાની ઘટના બનવાથી હડકંપ મચી જવા પામ્યો છે. મળતા રિપોર્ટ પ્રમાણે દોશી પરિવારે મણિનગરની ગ્વાલિયા સ્વીટમાંથી ઓનલાઈન મીઠાઈ મગાવી હતી. જે મીઠાઈમાં ફૂગ અને સ્વાદ ફેર હોવાનો દાવો કર્યો હતો. ગ્રાહકે આ મીઠાઈનો એક વીડિયો પણ બનાવીને વાયરલ કરી હતી. AMC ના ફૂડ વિભાગે ગ્વાલિયા સ્વીટ્સ્સને નોટિસ મારી સીલ કરવાની કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત રાજ્યભરમાં અનેક સ્થળોએ અખાદ્ય ચીજવસ્તુઓ કે પછી ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળ્યાની ઘટનાઓ છાશવારે બની રહી છે. ત્યારે ઓનલાઈન મગાવેલી મીઠાઈમાં હવે ફૂગ નીકળવાની ઘટના પ્રકાશમાં આવતા અનેક સવાલો ઉભા થયા છે.
મળતા રીપોર્ટ મૂજબ, શહેરના મણિનગર વિસ્તારમાં રહેતા દોશી પરિવારે આજે (5 ઓગસ્ટ) શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હતો. જેના કારણે ભગવાનને ધરાવવા માટે ઓનલાઇન ઝોમેટો એપ્લિકેશન મારફતે મણિનગરની ગ્વાલિયા સ્વીટ્સ નામની દુકાનમાંથી મીઠાઈમાં મીઠી બુંદી, કાનપુરી લાડુ અને નમકીન મંગાવ્યું હતું. દુકાનમાંથી આવેલી મીઠાઈમાં જ્યારે લાડવામાં જોયું તો તેમાં ફુગ વળેલી જોવા મળી હતી. જેમાં ફૂગ નીકળતા પરિવાર ચોકી ગયો હતો. લાડવા ઉપર ફુગ વળેલી હોવાથી બગડી ગયા હોય તેવા વાસી લાડવા મોકલવામાં આવ્યા હતા. જેના પગલે તાત્કાલિક ધોરણે દોશી પરિવારે AMC ના ફૂડ વિભાગની ટીમને જાણ કરી હતી.
ફુગ વળેલા લાડવાના ફોટા અને વીડિયો ફુડ વિભાગને મોકલી આપ્યા હતા. જેથી ફૂડ વિભાગની ટીમ દ્વારા ગ્વાલિયા સ્વીટ્સમાં તપાસ કરવામાં આવી હતી. દુકાનમાં જ્યારે તપાસ કરવામાં આવી તો તેમાં વેચાણ માટે રાખવામાં આવેલા લાડવામાં નરી આંખે દેખાય તેવું ફુગ વળેલું જોવા મળ્યું હતું. મીઠાઈમાં કોઈપણ પ્રકારના મેન્યુફેક્ચરિંગ કે એક્સપાયરી ડેટ અથવા ક્યાં સુધી ઉપયોગ કરવો તે અંગે કોઈ માહિતી લખેલી નહોતી. જેથી ફૂડ વિભાગની ટીમ દ્વારા ગ્વાલિયર સ્વીટ્સને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે આ અગાઉ ગ્વાલિયા સ્વીટ્સના રેસ્ટોરન્ટમાંથી ખાણીપીણીની ચીજ વસ્તુઓમાંથી વંદો નીકળવાની બેથી ત્રણ વખત ઘટનાઓ બની છે. ગ્રાહકો દ્વારા ગ્વાલિયા સ્વીટ્સના સામે ફરિયાદ પણ કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા જે તે સમયે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. હવે મીઠાઈની દુકાનમાંથી પણ ફુગ વળેલી અને એક્સપાયરી ડેટ લખ્યા વિનાની મીઠાઈઓનું વેચાણ શરૂ થયું છે. જેને લઇને અનેક સવાલો ઉભા થયા છે.