અમદાવાદ: નારણપુરામાં સુંદરનગર એપાર્ટમેન્ટમાં ગત માર્ચ માસમાં એક શખ્સ કિન્નરના સ્વાંગમાં આવ્યો હતો. અહીં રહેતા શિક્ષિકાના ઘરે ચા પીવા જવાનું કહીને તે ઘરમાં ઘૂસ્યો હતો. બાદમાં તેણે ઘરમાં મેલી વિદ્યા હોવાથી પૂજા કરવાનું કહીને સોનાની ચેઇન અને રોકડ રકમ વિધિ કરવા માટે માગીને પાણીમાં કંકુ નાખીને પી ગયો હતો. ચાર રસ્તે વિધિ કરીને પરત આવવાનું કહીને દાગીના અને રોકડ લઈને ફરાર થનારની નારણપુરા પોલીસે ધરપકડ કરી છે. કિન્નરનો વેશ ધારણ કરીને મેલી વિદ્યા હોવાનું કહીને આરોપીએ અગાઉ પણ અનેક ઠગાઇ કરી હોવાનું જણાયું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નારણપુરાના સુંદરનગર એપાર્ટમેન્ટમાં રહેતા સોનલબેન ઠક્કર નામની શિક્ષિકાના ઘરે ગત તા.15મી માર્ચે તેમના ત્યાં કિન્નરના સ્વાંગમાં એક શખ્સ આવ્યો હતો. આ શખ્સે ઘરમાં ચા પીવાની ઈચ્છા દર્શાવીને એન્ટ્રી લીધી હતી. બાદમાં સોનલબેનના ઘરમાં કોઈએ મેલી વિદ્યા કરી છે તેમ કહીને ધૂણવા લાગ્યો હતો. સોનલબેને મેલી વિદ્યાના નિકાલ બાબતે પૂછતા આ શખ્સે ઘરમાં વિધિ કરવાનું કહીને સોનાની ચેઈન અને રોકડા રૂપિયા લીધા હતા.આ બંને વસ્તુ એક કાપડમાં મૂકાવીને તેણે એક ગ્લાસમાં પાણી ભરીને તેમાં કંકુ નાખીને પી ગયો હતો. બાદમાં ચાર રસ્તે વિધિ કરીને ચેઇન અને રોકડ આપવાનું કહીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ મામલે નારણપુરા પોલીસે તપાસ કર્યા બાદ મૂળ રાજકોટના પડધરી નજીક આવેલ તરઘડી ગામના રહેવાસી જિતુ પરમારની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની પૂછપરછ કરતા તે અગાઉ સાબરમતી, લિંબાયત, મહારાષ્ટ્રના આંબાઝરીમાં પણ આ રીતે ઠગાઇના ગુનામાં ઝડપાયો હતો.
આરોપી પાસેથી પોલીસે સોનાની ચેઈન, પેન્ડલ અને રોકડ 3500 રૂપીયા પણ કબ્જે કર્યા છે. જો કે મહત્વની બાબત તો એ છે કે આ પ્રકારના ગુના આચરવા માટે તે રેકી કરતો હતો અને જ્યાં મહિલા કે સિનિયર સિટીઝન એકલા હોય ત્યાં ટાર્ગેટ કરતો હતો. ગુનો આચર્યા બાદ આરોપી માત્ર તેના પરિવારજનોનો સંપર્ક રાખતો હતો. પોલીસથી બચવા માટે તેણે ફોન નંબર બદલી નાખ્યો હતો. પરંતુ સીસીટીવી આધારે આરોપીની વિગતો મેળવીને તેની ધરપકડ કરવામાં આવી છે.