અમદાવાદ : શહેરના જુના વાડજ AMTS બસ સ્ટેન્ડથી નવા વાડજ કિરણભાઈ સર્કલ થઈ વિજયનગર ક્રોસીંગ સુધીના રોડને 24 મીટરનો કરવામાં આવશે. હાલમાં બસ સ્ટેન્ડથી કિરણ પાર્ક સુધીનો રોડ આડો-અવળો છે. રોડ પર કાચા- પાકા મકાનો તેમજ દુકાનો આવેલી છે, જે તોડવામાં આવશે. કુલ 140 જેટલા રહેણાંક અને 10 જેટલા કોમર્શીયલ જગ્યાઓ તોડી પાડવામાં આવશે. જેથી, આ રસ્તો પહોળો કરવામાં કેટલોક ભાગ તુટશે. આ રોડ લાઈનના અમલ માટેની દરખાસ્ત આવતી કાલે સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, જુના વાડજ સર્કલ પર અંડર બ્રિજ અને ઓવરબ્રિજ બની રહ્યા છે. આ પ્રોજેકટને બે વર્ષ કે તેથી વધારે સમય લાગી શકે તેમ છે. જેના કારણે વૈકલ્પિક રસ્તાની પણ આવશ્યતા રહેશે. જેના કારણે જુના વાડજ બસ સ્ટેન્ડથી કિરણ પાર્ક સુધીના રોડને પહોળો કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. રોજના 30થી 40 હજાર કરતાં વધારે વાહનો ત્યાંથી પસાર થતાં હોય છે ત્યારે વધતા ટ્રાફિકને ધ્યાનમાં લઇ વાડજની ટીપી 28 અને ટીપી 15 વચ્ચે આ રસ્તો 24.4 મીટરનો કરવા માટે મ્યુનિ.ને 4099 ચો.મી. જગ્યાને ખુલ્લી કરવામાં આવશે.
આ રોડ ખોલવામાં આવશે ત્યારે રોડ લાઈનમાં જે જગ્યા પરના માલિકી પુરાવા હશે અને માલિક હશે તેમને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાણાંકીય વળતર, એફએસઆઇનો લાભ કે ટીડીઆરનો લાભ આપવામાં આવશે. જુના વાડજ બસ સ્ટેન્ડથી કિરણપાર્ક તરફ જતાં ઓડનો ટેકરો, મોચી વાસ સહિતના રોડ પર આવેલા ગેરકાયદેસર કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવશે.