અમદાવાદ : અમદાવાદ શહેરમાં ચોમાસુ શરુ થાય અને ભુવા પડવાની શરૂઆત થઈ જાય છે. શહેરમાં આ વખતે પણ ચોમાસામાં ઠેરઠેર જગ્યાએ અનેક ભૂવા પડ્યા છે અને ભૂવા પડવાના કારણે અનેક અકસ્માત પણ સર્જાયા છે અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સોલ્યુશન શોધી લેવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં ભુવા પડવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ડ્રેનેજ પાઈપના ગેસનો નિકાલ કરવા માટે વેન્ટિલેશન પોલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં શહેરમાં જે ભુવા પડે છે, તેની પાછળ કારણ એ મળ્યું છે કે ડ્રેનેજ લાઈનમાં ગેસ ભરવાના કારણે તેના પ્રેશરના કારણે રોડ પર બ્રેક ડાઉન થાય છે એટલે કે ભુવા પડે છે, ત્યારે હવે એ ડ્રેનેજ પાઈપના ગેસનો નિકાલ કરવા માટે વેન્ટિલેશન પોલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ પોલના માધ્યમથી ગેસનો નિકાલ કરવામાં આવશે એટલે શહેરમાં ભુવા પડવાની સંખ્યા ઘટાડો થશે. મહત્વનું છે કે અગાઉ પણ આ પ્રકારના પોલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ એપાર્ટમેન્ટના લોકો દ્વારા તેનો મોટો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમનું કહેવું હતું કે લોકોના ઘરોમાં આના કારણે દુર્ગંધ આવે છે, જેથી આ પ્રોજેક્ટને તે સમયે પડતો મુકવામાં આવ્યો હતો.
ત્યારે હવે મુખ્ય માર્ગ પર રહેલા ડ્રેનેજ લાઈનના મેન હોલ મારફતે આ ગેસ નિકાલ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના તમામ 7 ઝોનમાં આ પ્રકારના પોલ નાખવામાં આવશે અને દરેક ઝોનમાં 100 જેટલા પોલ ઉભા કરાશે. તમને જણાવી દઈએ કે હાલ 5 ઝોન માટે રૂપિયા 2.5 કરોડનું ટેન્ડર પાસ કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય 2 ઝોનનું ટેન્ડર આગામી સમયમાં પાસ કરવામાં આવશે.
જે પોલ લગાવવામાં આવશે તે 12 મીટરના હશે, જેમાં પોલ 2 મીટર અંદર, જ્યારે 10 મીટર ઉપર રાખવામાં આવશે અને તેના માધ્યમથી મિથેન ગેસ બહાર કાઢવામાં આવશે અને પરિણામે શહેરમાં ભૂવા પડવાની સમસ્યામાં ઘટાડો થશે તેવી AMCને આશા છે.