અમદાવાદ : અમદાવાદમાં છેલ્લા 12 કલાકની અંદર જ અકસ્માતની ત્રણ ઘટના સામે આવી છે. જેમાં દાણીલીમડામાં ચાલીને જતાં યુવકને ટ્રકે અડફેટે લેતા મોત નીપજ્યું હતું. તો અખબારનગર પાસે એક્ટિવા લઈને જતાં વૃદ્ધને પાછળથી આવતી ટ્રકે ટક્કર મારતા વૃદ્ધ બે ભારે વાહનો વચ્ચે ચગદાઈ ગયા હતા. આ ઉપરાંત મોટેરા વિસ્તારમાં ટ્રકે અકસ્માત સર્જતા બે યુવક ગંભીર રીતે ઘાયલ હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ આજે સવારે અમદાવાદ શહેરમાં બેફામ રીતે ફરતી BRTSએ ફરી અકસ્માક સર્જ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા વાડજ વિસ્તારમાં BRTSએ અચાનક બ્રેક મારતા BRTS, એક્ટિવા અને ડમ્પર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે બસ અને ડ્રમ્પરની વચ્ચે એક્ટિવા ચાલક ફસાઈ ગયો હતો. આ ઘટનામાં એક્ટિવા ચાલક યુવક ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક અસરથી 108 મારફતે નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
બીજી ઘટનામાં અમદાવાદ શહેરના દાણીલીમડામાં કોઝી હોટલ પાસે ગઈકાલે (12 ઓગસ્ટ) રાતે 10:00 વાગ્યાની આસપાસ 44 વર્ષના કિશોર અશોકભાઈ ચતુર્વેદી કોઝી હોટલથી મોતીપુરા ચોકડી તરફ ચાલીને જઈ રહ્યો હતો. તે દરમિયાન મોતીપુરા ચોકડી તરફ જતાં રોડ પર બાપા સીતારામની મઢુલી પાસે બેફામ આવતી ટ્રકે તેને હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ત્રીજી ઘટનામાં શહેરના મોટેરા વિસ્તારમાં પણ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકની હડફેટમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્ટિલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત કરનાર પણ મોટું વાહન જ હતું. ત્યારે શહેરના રસ્તાઓ પર ફરી રહેલાં મોટાં વાહનો પર અંકુશ ન હોવાના કારણે અકસ્માતો થઈ રહ્યા હોવાની પણ ચર્ચા છે.
શહેરમાં બેફામ દોડતાં ભારે વાહનોથી 12 કલાકની અંદર બે નિર્દોષ વ્યક્તિનાં મોત થયાં છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક માટેની સુફિયાણીઓ વાતો કરવામાં આવે છે. હાઈકોર્ટ દ્વારા જ્યારે ઉધડો લેવામાં આવે છે, ત્યારે લોકોને દેખાય તે પ્રમાણે અલગ-અલગ ડ્રાઇવના નામે થોડા દિવસ માટે કામગીરી થાય છે. ટ્રાફિક પોલીસની સમગ્ર વાત ભ્રામક હોવાનું સાબિત કરતા કિસ્સાઓ સામે આવ્યા છે.