અમદાવાદ : AMC દ્વારા અમદાવાદના વિરાટનગરમાં તિરંગાયાત્રાનું આયોજન કરાયું હતુ, આ તિરંગા યાત્રાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફ્લેગ ઓફ કરાવ્યું હતું. અમિત શાહ સાથે CM ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકારના મંત્રીઓ તિરંગાયાત્રામાં ઉપસ્થિત રહ્યાં હતા. વિરાટનગરના કેસરી નંદન ચોકથી તિરંગાયાત્રાની શરૂઆત થઈ હતી. આ યાત્રાનો નિકોલના ખોડીયાર મંદિર સુધીનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં અમદાવાદના લોકો સામેલ થયા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સ્વતંત્રતા પર્વની ઉજવણી પહેલાં રાજ્યના ચાર મહાનગરોમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 13 ઓગસ્ટના રોજ (મંગળવારે) અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વિરાટનગરથી લઈ નિકોલ ખોડિયાર મંદિર સુધી ત્રણ કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. સાંજે 5.20 વાગ્યે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાષ્ટ્ર ધ્વજ લહેરાવી તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. જોકે, વિરાટનગર ફુવારા સર્કલથી ચાલુ થયેલી 3 કિમી લાંબી તિરંગા યાત્રા નિકોલ ખોડિયાર મંદિર ખાતે પૂર્ણ થઇ છે. તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે કિલોમીટર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રણ કિલોમીટર સુધી યાત્રામાં ચાલતા જોડાયા હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ કહ્યું કે, હર ઘર તિરંગા અભિયાન યુવાનીઓમાં નવ ઉર્જા ભરવાનું કામ કરે છે. તેમણે કહ્યું કે, હર ઘર તિરંગા અભિયાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલો કાર્યક્રમ દેશ ભક્તિની અભિવ્યક્તિની સાથે સાથે 2047માં મહાન અને વિકસિત ભારતનું એક પ્રતિક બન્યું છે, 15મીએ દરેક ઘર પર વાહન પર તેમજ ઓફિસ અને કચેરી પર તિરંગો લહેરાય અને દેશભક્તિનો વાતાવરણ ઉભો થાય તેવું કાર્ય કરવાનું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, દેશને મળેલી મહામૂલી આઝાદીનો ગૌરવ ગાન કરવા માટે તેમજ આઝાદીના લડવૈયાઓને યાદ કરવા માટે હર ઘર તિરંગા યાત્રાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રેરણા આપી છે. આ અમૃતકાળ ચાલી રહ્યો છે, ત્યારે 2047માં આપણે આઝાદીની સતાબ્દી ઉજવવાના છીએ.