ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ ૨૦૨૨ ને વ્યાપક પ્રતિસાદ મળે અને વધુમાં વધુ લોકોએ અધિનિયમનો લાભ મેળવી શકે તેવા જનહિતકારી અભિગમથી મુખ્યમંત્રીએ આ નિર્ણય લીધો છે. આ નિર્ણય પ્રમાણે હવે ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક બિન અધિકૃત બાંધકામના વપરાશ કરતા લોકોના 4.5 એફ.એસ.આઇ. સુધીના બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઇ શકશે.
ઉપરાંત, બિન અધિકૃત રહેણાંક માટે 2000 ચો. મીટર સુધીના ખુટતાં પાર્કિંગ માટે અને બિન અધિકૃત બિન રહેણાંક માટે 1000 ચો. મીટર સુધીના ખુટતા પાર્કિંગ માટે ફી લઇને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની જોગવાઇ કરવામાં આવી છે, અગાઉ ખુટતા પાર્કીંગના 50% જે તે પ્લોટમાં અથવા તો 500 મીટરની હદમાં પાર્કીંગની જોગવાઇ કરવી ફરજીયાત હતી, અને બાકીના 50% ખુટતા પાર્કીંગ માટે ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ 2022ના જાહેરનામાંથી પાર્કીંગ નિયમિત કરવા માટેની નક્કી કરાયેલી ફી વસુલ લઇને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની પ્રવર્તમાન જોગવાઇ હતી.
ઇમ્પેક્ટ ફી અંગેના કરેલા આ મહત્વપૂર્ણ નિર્ણયો નિયમાનુસારની કાર્યવાહીને અનુસરીને ટુંક સમયમાં અમલી કરાશે. ફેબ્રુઆરી મહિનામાં ઇમ્પેક્ટ ફી માટે ચાર મહિનાની મુદત વધારવામાં આવી હતી અને ત્યારબાદ રાજ્ય સરકારે જૂન -2024માં પણ ઇમ્પેક્ટ ફી ની મુદતમાં વધુ છ મહિનાનો વધારો કર્યો હતો.
રાજ્યના કોઈ પણ શહેરમાં જ્યાં રહેણાંક કે કોમર્શિયલ કોમ્પ્લેક્સ કે ઇમારત બનાવવામાં આવી હોય અને નિયમોની બહારનું કોઈ બાંધકામ હોય અને તેને તોડી પાડવાથી અન્ય વ્યક્તિ નુકસાન થતું હોય તો ઈમ્પેક્ટ ફી ભરીને બાંધકામ નિયમિત કરી શકાય છે. આ યોજનામાં મિલકતના માલિકે નક્કી કરેલી ફી ભરવાની રહેશે અને બાંધકામ નિયમિત હોવાનું પ્રમાણપત્ર લેવું પડશે. આ ફીનું ધોરણ શહેર અને તેના વિસ્તાર પ્રમાણે અલગ અલગ રહેશે. જેમાં સ્થાનિક સત્તાવાળાઓ તરફથી ચોક્કસ ચકાસણી પછી ફીની ચુકવણીની મંજૂરી આપવામાં આવશે, રહેણાંક અને વાણિજ્યિક અસર ફીના દરો વ્યાપકપણે બદલાય છે.