અમદાવાદ : IPL 2022ની ફાઇનલ મેચમાં ગુજરાત ટાઈટન્સની ટીમે ભવ્ય વિજય મેળવ્યો છે. ગુજરાત ટાઈટન્સની ટીમની જીતની ઉજવણી આજે અમદાવાદમાં થશે. સમગ્ર ટીમનો આજે સાંજે 7 વાગ્યે ભવ્ય રોડ શો યોજાશે. ઉસ્માનપુરા રિવરફ્રન્ટથી વિશ્વકુંજ રિવરફ્રન્ટ સુધી ગુજરાત ટાઈટન્સની ટીમ રોડ શો કરશે. જેમાં ટીમના સમગ્ર મેમ્બરો જોડાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી રોડ શોને ફ્લેગ ઓફ કરાવશે. રોડ શોને પગલે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે.
ગુજરાત ટાઈટન્સની જીતની ઉજવણી કરવા હવે આ ટીમ અમદાવાદના રસ્તા પર જોવા મળશે. હાર્દિક પંડ્યા સહિતની આખી ટીમનો ભવ્ય રોડ શો અમદાવાદમાં નીકળશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આજે વિનિંગ ટીમનો અમદાવાદના ઉસ્માનપુરા રિવરફ્રન્ટથી વિશ્વકુંજ રિવરફ્રન્ટ સુધી રોડ શો યોજાશે. રોડ શોમાં ગુજરાત ટાઇટન્સની ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા સહિતની આખી ટીમ જોડાશે. આ રેલી સાંજે 5-30 વાગ્યા પછી નીકળી શકે છે. આ રોડ શોમાં મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો, ગુજરાતી સેલિબ્રિટીઝ અને રાજકીય નેતાઓ સામેલ થઈ શકે છે.