અમદાવાદ : એસજી હાઈવે સ્થિત ઇસ્કોન મંદિરમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીના તહેવાર ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભારે વરસાદી માહોલ વચ્ચે પણ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો મંદિર પ્રાંગણમાં ઉમટી પડ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કૃષ્ણજન્મોત્સવની ઉજવણીમાં ઇસ્કોન મંદિર ખાતે પહોંચ્યા હતા અને ભગવાન શ્રીકૃષ્ણની આરતી કરી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઈસ્કોન ખાતે જન્માષ્ટમી ઉત્સવ માટે વિશેષ આયોજન કરાયું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કૃષ્ણજન્મોત્સવની ઉજવણીમાં ઇસ્કોન મંદિર ખાતે પહોંચ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણની આરતી કરી હતી.
ઇસ્કોન મંદિર ખાતે દર વખતે અલગ અલગ થીમ આધારિત સુશોભન કરવામાં આવતું હોય છે અને તે જ પ્રમાણે ભગવાનના વાઘા પણ તૈયાર કરવામાં આવતા હોય છે.ત્યારે આ વખતે ભગવાનને વનની સાથે પશુ પક્ષીઓ પ્રિય હતા તે માટે તે થીમથી સમગ્ર મંદિરને શણગારવામાં આવ્યું છે સાથે અગત્યની વાત એ છે કે આ થીમ માટે ઇસ્કોન મંદિર દ્વારા 900 કિલોથી વધુ ફૂલો સમગ્ર દેશ અને વિદેશમાંથી મંગાવવામાં આવ્યા હતા.
દ્વાપર યુગમાં શ્રાવણ મહિનામાં કૃષ્ણ પક્ષમાં અષ્ટમીની રાત્રે શ્રી કૃષ્ણ પ્રગટ થયા હતા. આ વર્ષે શ્રી કૃષ્ણની 5251મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. તે સમયે વૃષભ રાશિમાં રોહિણી નક્ષત્ર અને ચંદ્ર હતો. આજે રાત્રે પણ રોહિણી નક્ષત્ર અને ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે.
શ્રી કૃષ્ણ રાત્રે અવતર્યા હતા, તેથી રાત્રે જન્માષ્ટમી ઉજવવાની પરંપરા છે. દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણના કારણે જ કંસ, જરાસંધ, કલયવન જેવા રાક્ષસોનો વધ થયો હતો. પાંડવોને મદદ કરીને ભગવાને અધર્મી કૌરવ વંશનો નાશ કર્યો. આમ ભગવાને અધર્મનો નાશ કરવાનું અને ધર્મની સ્થાપના કરવાનું કામ કર્યું હતું.