અમદાવાદ : શહેરમાં બે દિવસથી પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાવવાના કારણે અનેક જગ્યાએ કચરો એકત્રિત થઈ ગયો હતો. ગટરની કેચપીટો અને ગટરોના ઢાંકણાની આસપાસ કચરો ફેલાયો હતો. ઉપર કાદવ-કીચડ એકત્રિત થયો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા 140 જેટલી ટીમો બનાવી સફાઈ કામદારો દ્વારા શહેરમાં સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જો કોઈપણ નાગરિકોને ઘર અથવા સોસાયટીની આસપાસ જંતુનાશક દવાનો છંટકાવ, કાદવ-કીચડ દૂર કરવા અથવા સફાઈ યોગ્ય ન થઈ હોય તો મ્યુનિસિપલ કોર્પોરેશનના ફરિયાદ નંબર 155303 પર ફોન કરી અથવા ઓનલાઇન કોર્પોરેશનની વેબસાઈટ પર ફરિયાદ નોંધાવી શકે છે.
શહેરમાં ઠક્કરનગર ઓવરબ્રિજ રોડ, સરસપુર-રખિયાલ-પોટલિયા રોડ, મણિનગર-ઉત્તમનગર ગાર્ડન રોડ, ઇસનપુર ગોવિંદવાડી સર્કલ રોડ, લાંભા-નારોલ માર્કેટ રોડ, દરિયાપુર-દિલ્હી દરવાજાથી શાહપુર મેટ્રો સ્ટેશન રોડ, શાહપુર-પોલીસ સ્ટેડિયમ રોડ, ગોતા-ગોતા ચોકડી, બ્રિજની નીચેનો વિસ્તાર, શાયોના અંડરબ્રિજ, ચાંદલોડિયા-ગૌરવપંથ રોડ, વંદેમાતરમ્ રોડ, ઘાટલોડિયા- ચાણક્યપુરી બ્રિજ, બોડકદેવ-આંબલી-બોપલ રોડ, થલતેજ-ન્યુ યોર્ક ટાવર એસ.જી.હાઇવે, ગોમતીપુર-બળિયા કાકા રોડ, અમરાઈવાડી-સ્વસ્તિક ચાર રસ્તાથી મથુર માસ્ટર ચાર રસ્તા રોડ, વિરાટનગર-સોનીની ચાલી રોડ કાદવ-કીચડ અને માટી ન્યૂસન્સ ટેન્કરથી ધોવડાવી દૂર કરાવવાની કામગીરી કરવામાં આવી હતી.
પૂર્વ વિસ્તારમાં જ્યાં સૌથી વધુ પાણી ભરાયા હતા એવા નિકોલ-શુકન ચાર રસ્તાથી મોડલ રોડ રિંગરોડ સુધી, વસ્ત્રાલ-માધવ ગાર્ડન રોડ, પાલડી-Nid ચાર રસ્તાથી પાલડી ચાર રસ્તા રોડ, વાસણા, વાસણા AMTS બસ ટર્મિનલ રોડથી પ્રજાપતિ ગાર્ડન વાસણા રોડ, નવરંગપુરા, આઇ.આઈ. એમ.રોડ પાંજરાપોળ, નારણપુરા-શાસ્ત્રીનગર રોડ, નવાવાડજ-ભીમજીપુરાથી અખબારનગર સુધી, સરદારનગર-ઇન્દિરા બ્રિજથી એરપોર્ટ રોડ અને એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ રોડ (આઇકોનિક રોડ), નરોડા-હિલોની મામલતદાર ઓફિસ રોડ નરોડા, સૈજપુર -મેમ્કો સ્પોર્ટ્સ સંકુલ રોડ, મેમ્કો બ્રિજ, કુબેરનગર-છારાનગર રોડ, કુબેરનગર-બાપુનગર-મરઘા ફાર્મ રોડ, ઇન્ડિયા કોલોની-ઠક્કરનગર એપ્રોચથી હીરાવાડી ચાર રસ્તા, ઠક્કરનગર-ઠક્કરનગર ઓવરબ્રિજ રોડ વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી હતી.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ 7 ઝોનમાં 140 જેટલી ટીમો દ્વારા કેચપીટ પરનાં ફ્લોટીંગ વેસ્ટ કલેક્શન કરવામાં આવ્યું હતું. સફાઈ કામદારો મારફતે 11264 કુલ કેચપીટો પરના કચરાને દૂર કરવામાં આવ્યો હતો. 40 JCB -બોબકેટ અને 97 ટ્રકો જેવી મશીનરી દ્વારા પિરાણા ખાતે કચરાનો નિકાલ કરાયો હતો. 7 ઝોનમાં અંદાજિત 6777 કિ.ગ્રા. લાઈમ ડસ્ટ અને 4795 કિ.ગ્રા. મેલેથિયોન એમ કુલ 11572 કિ.ગ્રા. જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.