અમદાવાદ : શહેરમાં દર વર્ષે ગુજરાત બોર્ડમાં ધોરણ 10 અને 12માં 1.59 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપે છે. ત્યારે પરીક્ષાના પરિણામ બાદ દર વર્ષે વિદ્યાર્થીઓના નામ, અટક અને જાતિમાં સુધારો કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે બોર્ડની પરીક્ષાના ફોર્મ ભર્યા અગાઉ જ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વિદ્યાર્થીઓના નામ,અટક અને જાતિ સુધારણા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 10 થી 12 સપ્ટેમ્બર દરમિયાન શહેરની ત્રણ અલગ અલગ સ્કૂલના કેન્દ્રોમાં આ વ્યવસ્થા રાખવામાં આવી છે. આ કેમ્પમાં માત્ર ધોરણ 10 અને 12 જ નહિ પરંતુ 1 થી 12ના તમામ વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા રાખવામાં આવી છે.
સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના નામ, અટક અને જાતિમાં અનેક વખત ભૂલો હોય છે, જે ભૂલો સુધારવા માટે પરિણામ બાદ કેમ્પ રાખવામાં આવે છે. આ વર્ષે હજુ બોર્ડના ફોર્મ ભરાયા નથી. જેથી ફોર્મ ભરાયા તે અગાઉ જ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરી દ્વારા 3 દિવસ માટે વિદ્યાર્થીઓના નામ, જાતિ અને અટક સુધારણા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 1 થી 12ના તમામ વિદ્યાર્થીઓના સુધારણા આ કેમ્પમાં કરવામાં આવશે. નીચે મુજબની ત્રણ સ્કૂલમાં અલગ અલગ દિવસે બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન સુધારણા કરાશે.
આ ત્રણ સ્કૂલમાં કેમ્પ યોજાશે
10 સપ્ટેમ્બર- એન.વી પટેલ વિદ્યામંદિર, નરોડા
11 સપ્ટેમ્બર- બેસ્ટ હાઇસ્કુલ, મણીનગર
12 સપ્ટેમ્બર- સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ લોયલા, નારણપુરા