અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.નવા વાડજ વોર્ડમાં આવેલ નિર્ણયનગર વિસ્તારમાં નિર્ણયનગર ગરનાળા થી અર્જુન આશ્રમ સુધીમાં આવેલ 650 મી ની લંબાઈમાં આશરે 250 જેટલા ગેરકાયદે કાચા પાકા ઝુંપડાઓ ગત બુધવારે પશ્ચિમ ઝોનના એસ્ટેટ અને ટીડીઓ વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. એસ્ટેટ વિભાગ દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવી દઈને પ્લોટ ખુલ્લો કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ રેલ્વે વિભાગના વર્ષો જુના પ્લોટ પર કાચા પાકા ઝુંપડાઓ સહીત અનેક પ્રકારના ગેરકાયદે દબાણોથી આસપાસના વિસ્તારોના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને પોલીસ બંદોબસ્ત સાથે રેલ્વેના પ્લોટ પરથી દબાણો દૂર કરવાને કારણે આ વિસ્તારના નાગરિકો અને રહીશોમાં રાહતની લાગણી ફેલાઈ છે. અમદાવાદ મ્યુ કોર્પોરેશનના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આગામી સમયમાં ગેરકાયદે બાંધકામો અને બોર્ડ અને બેનરો દૂર કરવાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.