અમદાવાદ : જેનું સર્જન છે તેનું વિસર્જન પણ છે. પરંતુ હૃદયની નિકટ હોય તેનું વિસર્જન એટલે કે વિદાયની વેળા આવે ત્યારે બહારથી લાગણીશૂન્ય જણાતી વ્યક્તિનું હૃદય પણ ભારે થઇ જાય છે, તો કેટલાકની આંખોમાંથી અશ્રુ પણ વહેવા લાગે છે. આવી જ એક ઘડી એટલે ગણેશ વિસર્જન. આજે અનંત ચતુર્દશી નિમિત્તે અમદાવાદ સહિત ગુજરાતભરમાં ભક્તો ‘ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તુ જલ્દી આના….’ ની વહાલભરી વિનંતી સાથે દુંદાળા દેવને વિદાય આપશે.
જ્યોતિષીઓના મતે ગણેશ વિસર્જન માટે આજે સવારે 9:35 થી બપોરે 2:10 અને રાત્રે 8:20 થી 9:45 દરમિયાન ગણેશ ભગવાનની મૂર્તિના વિસર્જન માટે શ્રેષ્ઠ સમય છે. અમદાવાદમાં આ વખતે 800થી વઘુ નાના-મોટા પંડાલોમાં ભગવાન ગણેશની મૂર્તિનું સ્થાપન કરાયું હતું. આ પૈકી 50 ટકાથી વઘુ મૂર્તિનું વિસર્જન થઇ ચૂક્યું છે. જ્યારે બાકીની તમામ મૂર્તિઓનું આજે સાર્વજનિક સ્થળ તેમજ ઘરમાં વિસર્જન થશે. અમદાવાદમાં અંદાજે 700 જેટલી સોસાયટીઓમાં સાર્વજનિક વિસર્જન કરવાની સાથે 40 હજારથી વઘુ લોકો દ્વારા સ્થાપિત માટીની મૂર્તિનું પણ ઘરમાં જ વિસર્જન કરાશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ગણેશ વિસર્જન માટે કુંડ બનાવવામાં આવતા હોય છે ચાલુ વર્ષે પણ વિવિધ જગ્યાએ અલગ અલગ સાઈઝના નાના-મોટા વિસર્જન કુંડ બનાવવામાં આવ્યાં છે. દર વર્ષની જેમ વિસર્જન સમયે મૂર્તિ પધરાવવા તેમજ બહાર નીકાળવા માટે તંત્ર દ્વારા ક્રેઈનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ભગવાન ગણેશને આજે ભાવપૂર્વક લોકો વિદાય આપશે. બપોર બાદ મોટી સંખ્યામાં લોકો વિસર્જન કરવા નીકળશે, જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા વિવિધ વિસર્જન કુંડમાં ફાયર બ્રિગેડ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ પર પૂર્વ અને પશ્ચિમ બંને દિશામાં મોટા વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે જેના પગલે ફાયર બ્રિગેડની બે ટીમો અલગ-અલગ સ્થળ ઉપર હાજર રહેશે. ગણેશ વિસર્જનને લઇ ચુસ્ત પોલીસ બંદોબત ગોઠવવામાં આવ્યો છે.