અમદાવાદ : અમદાવાદમાં તથ્યકાંડ હજુ ભૂલાયો નથી, ત્યાં આ વધુ એક કાંડ સામે આવ્યો છે. હવે શહેરના ન્યૂ સાયન્સ સિટી રોડ પર ચાલી રહેલા એક પરિવારને એક કારચાલકે ઉલાળ્યા છે. આ અકસ્માતના રૂંવાડાં ઊભાં કરી દે તેવા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.સમગ્ર ઘટના મામલે એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ટ્રાફિક પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રવિવારે (15મી સપ્ટેમ્બર) રણજીતસિંહ તેમના પત્ની જવુબેન અને દિકરો પ્રકિરાજ સિંહ ઉંમર 12 વર્ષ તેઓ ઉમિયા સર્કલથી ન્યુ સાયન્સ સીટી રોડ શ્રીજી પાર્ટીપ્લોટ તરફ રોડની સાઈડમાં ચાલતા જઈ રહ્યા હતા. તે દરમ્યાન અચાનક ઉમિયા સર્કલથી એક કાર પૂરપાટે તેમના તરફ આવી હતી અને તેમની પત્ની અને બાળકને ટક્કર મારી દીધી હતી.
અકસ્માત એટલો ગંભીર હતો કે બાળક અને મહિલા કારની નીચે આવી ગયા હતા. બાળકના પિતાએ જેમતેમ કરીને કારની નીચેથી તેને કાઢ્યો હતો. બાળકને પેટના ભાગે, છાતીમાં, લીવર અને ફેફસામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, તો બીજી તરફ તેમની પત્નીને માથામાં કપાળ તથા કમરના ભાગે મૂઢમાર વાગ્યો હતો.
ઘટના બાદ નફ્કટ કાર ચાલક ત્યાંથી કાર લઈને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ 108 મારફતે સિવિલમાં લઈ ગયા હતાં, ત્યાં પ્રાથમિક સારવાર બાદ મહિલા અને કિશોરને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દંપતીની મદદે એક શખ્સ આવ્યો હતો, સમગ્ર ઘટના મામલે એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ટ્રાફિક પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. આ કારચાલક કોણ હતો અને ક્યાં ગયો તે અંગે પોલીસ તપાસ શરૂ કરશે.
આ અગાઉ અમદાવાદમાં ગત 14 તારીખની રાત્રે વધુ એક હિટ એન્ડ રનનો કેસ સામે આવ્યો હતો. બોપલની આ ઘટનામાં મોંઘીદાટ કારથી સિક્યુરીટી ગાર્ડને ટક્કર મારી હતી, સિક્યુરીટી ગાર્ડનું મોત નિપજ્યું હતું. જેમાં અકસ્માત કરનાર ગાડીના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં આરોપી ફૂલ સ્પિડમાં જતો દેખાય રહ્યો છે. હાલ આ મામલે બોપલ પોલીસે આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.