અમદાવાદ : અમદાવાદ અમદાવાદના મકરબા વિસ્તારમાં કેનેડાના વિઝા આપવાને બહાને કરાતા કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં મકરબા વિસ્તારમાં આવેલી એક ઇમીગ્રેશન ઓફિસના સંચાલકોએ સ્કીલના આધારે કેનેડાના વિઝા અપાવવાનું કહીને અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. જેમાં એક મહિલાને નાણાં લેવાની સાથે તેમના અસલી પાસપોર્ટ અને દસ્તાવેજો લઇને ધમકી આપવામાં આવી હતી. આ મામલે સરખેજ પોલીસે તપાસ હાથ ધરી છે. ઇમીગ્રેશન ઓફિસના સંચાલક કેનેડાના નાગરિક હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના બોપલ વિસ્તારમાં રરહેતી એક મહિલા સલૂન ચલાવે છે. તેમને સલૂનના સ્કીલ બેઝ્ડ પર કેનેડામાં જવાનું હોવાથી મકરબામાં આવેલા આર્શીવાદ પારસ-1 કોમ્પલેક્સમાં આવેલી પેસિફિક રીલોકેશન સર્વિસની ઓફિસ પર મળવા માટે ગયા હતા. જ્યાં સંચાલક નિતિન પાટીલ, વિજયા સાવલએ તેમને કેનેડામાં સ્કીલ આધારિત વિઝા પર સેટલ કરવા માટે 45 લાખ રૂપિયા માંગ્યા હતા. જોકે આટલી મોટી રકમ ન હોવાથી મહિલા પરત ઘરે ગઈ હતી.
બીજી તરફ નિતિનના માણસે મહિલાને કોલ કરીને 30 લાખમાં મોકલવાનું કહીને પાસપોર્ટ આવી જાય ત્યારે 15 લાખ અને બાકીના 15 લાખ કેનેડામાં બિઝનેસની આવક થાય ત્યારે ચુકવી આપવાનું કહ્યું હતું. આ વિઝા માટે ધોરણ 12 પાસનું પ્રમાણપત્ર જરૂરી હતુ. જ્યારે મહિલા ધોરણ 10 પાસ હોવાથી તેમણે કેનેડા જવાનું ટાળ્યું હતું. ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે નિતિન પાટીલ તમને ધોરણ ૧૨ પાસનું બનાવટી પ્રમાણપત્ર તૈયાર કરાવી આપશે. પરંતુ મહિલાએ બનાવટી પ્રમાણપત્રથી વિઝા લેવાની ના કહ્યું હતુ. ત્યારે નિતિનના સ્ટાફના માણસે કહ્યું હતું કે એક વ્યક્તિને ધોરણ 12ના બનાવટી સર્ટિફિકેટથી કેનેડા મોકલીને સેટ કરી દીધો છે. તેમજ કેનેડામાં રહેતા વિજયા સાવલેને પણ આ રીતે જ કેનેડા મોકલ્યા છે.
આમ, કોઇ કેસ નહી થાય તેમ જણાવીને વિશ્વાસ કેળવીને પ્રોસેસના નામે દસ્તાવેજ અને પાસપોર્ટ લીધા હતા. જ્યારે નિતિન પાટીલ સાથે કામ કરતી વિજયા સાવલેએ બેંકમાં જમા નહી કરવાની ખાતરી આપીને મહિલા પાસેથી પ્રોસેસના નામે બે ચેક લીધા હતા.પરંતુ, કેનેડા ગયા બાદ ચેકને ડીપોઝીટ કરીને ચાર લાખ રૂપિયા લઇ લીધા હતા. આ પહેલા ચાર લાખ રોકડા લીધા હતા. આમ, જાણ બહાર ચાર લાખનો ચેક વટાવી લેતા મહિલાએ કેનેડાની ફાઇલ મુકવાની ના કહીને નાણાં, અસલી પાસપોર્ટ પરત માંગ્યા હતા. ત્યારે તેમના વિરૂદ્ધ ચેક બાઉન્સનો ખોટો કેસ કરવાની ધમકી આપી હતી.
આમ મહિલા પાસેથી 8 લાખ રૂપિયા તથા તેમનો અસલી પાસપોર્ટ લેવા બાબતે સરખેજ પોલીસે તપાસ હાથ ધરી છે. આ પ્રકારે આરોપીઓે અનેક લોકોને શીશામાં ઉતાર્યા હોવો પણ આરોપ મુકવામાં આવ્યો છે. જેને પગલે હવેની તપાસમાં મોટુ કૌભાંડ બહાર આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.