અમદાવાદ : અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન યોજવામાં આવતા ગરબા મહોત્સવમાં તમામ ફૂડ સ્ટોલોને લાયસન્સ ફરજિયાત કરવામાં આવ્યા છે. ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ મુજબ તમામ ખાણી-પીણીના સ્ટોલ ધારકોને લાયસન્સ લેવુ ફરજિયાત કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવરાત્રિ દરમિયાન અનેક પાર્ટી પ્લોટ, ગ્રાઉન્ડ સહિત વિવિધ જગ્યાએ ફૂડ સ્ટોલ ધરાવનાર વ્યક્તિએ લાઇસન્સ લેવું ફરજિયાત છે. એક પાર્ટી પ્લોટ કે ગ્રાઉન્ડમાં જો અલગ અલગ ફૂડ સ્ટોલધારકો હશે, તો તમામે અલગ અલગ લાઇસન્સ લેવાનું રહેશે. ભારત સરકારની FSSAIની વેબસાઈટ ઉપરથી રજિસ્ટ્રેશન કરી લાઇસન્સ મેળવવા માટે અરજી કરવાની રહેશે. જે અરજી AMC ફૂડ વિભાગ પાસે મળતાની સાથે જ તે સ્થળ ઉપર ચેકિંગ કરી અને લાઇસન્સ આપવામાં આવશે.જો ચેકિંગ દરમિયાન કંઈ પણ અખાદ્ય પદાર્થ પકડાશે તો કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.
AMC પાસેથી તમામ ગરબા મહોત્સવના આયોજકોને ફૂડ સ્ટોલ માટે લાયસન્સ લેવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, નવરાત્રિ દરમિયાન ગરબા પાર્ટી પ્લોટમાં ગરબા રસિકો ફૂડ પણ આરોગતા હોય છે ત્યારે ફૂડની ક્વોલિટી જળવાઈ રહે જેને લઈ આ લોકોના આરોગ્ય હિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે.