અમદાવાદ : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગલી-ગલીના ટપોરીઓ પોતાની જાતને ડોન સમજી બેઠા છે, જેમની શાન ઠેકાણે લાવવાનું કામ માત્રને માત્ર પોલીસનું છે. પૂર્વ વિસ્તારમાં 26 ગુનામાં સંડોવાયેલા આરોપી ધમા બારડ વિરૂદ્ધ પોલીસે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (ગુજસીટોક)નું શસ્ત્ર ઉગામ્યુ છે. મોડીરાતે ધમા બારડ વિરૂદ્ધ કૃષ્ણનગર પોલીસ ગુજસીટોક હેઠળ ગુનો નોંધીને તેને સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો છે.ગુજસીટોક હેથળ વધુમાં વધુ 10 વર્ષ અને આજીવન કેદની સજા થઈ શકે છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં ટોક ઓફ ધ ટાઉન બનેલી આ ઘટનામાં આ ઘટનામાં એલસીબીએ ધમા બારડની ધરપકડ કરીને જેલ ભેગો કર્યો હતો અને તેના વિરૂદ્ધ ગુજસીટોક દાખલ કરવા માટે રાજ્ય સરકારની મંજુરી માંગી હતી. ધમા બારડની ધરપકડ કર્યા બાદ પોલીસ તેની અદભુત રીતે ખાતીરદારી કરી હતી અને બાદમાં તેનુ જુલુસ પણ નીકળ્યુ હતું. પોલીસની કાર્યવાહી બાદ કૃષ્ણનગર તેમજ નરોડા વિસ્તારમાં આતંક મચાવનાર ધમા બારડ પોલીસ સામે હાથ જોડતો નજરે પડ્યો હતો.
ધર્મેન્દ્રસિંહ ઉર્ફ ધમા બારડ નર્મદા જિલ્લામાં છુપાયો હોવાની બાતમીના આધારે ઝોન ચાર લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB)ની ટીમ નર્મદા પહોંચી હતી અને કેવડિયા ખાતે એક હોટલમાં સંતાયેલા ધમા બારડને ઝડપી પાડ્યો હતો. કૃષ્ણનગર પોલીસે ધમા બારડને સાથે રાખીને ઘટનાની શરૂઆતથી અંત સુધીની જગ્યાઓ પર લઇ જઇને સમગ્ર ઘટનાનું રિકસ્ટ્રક્શન કર્યું હતું. જેમાં ધમા બારડ કૃષ્ણનગર પોલીસ આગળ ઘૂંટણીયે પડ્યો હતો, તેમજ સમગ્ર વિસ્તારની અંદર હાથ જોડીને માફી માંગતો પણ જોવા મળ્યો હતો. ધમા બારડે પોતાના કરેલા ગુનાની પણ લોકો સામે માફી માંગી હતી.
ધમા બારડની દાદાગીરીથી પોલીસ પણ ત્રાહીમામ પોકારી ગઇ હતી અને સ્થાનિકોમાં પણ તેની દહેશત દિવસને દિવસે વધી રહી હતી. ધમા બારડ વિરૂદ્ધ એકાદ બે નહી પરંતુ 26થી વધુ ગુનો નોંધાયા છે. જેમાં હત્યાની કોશિષ, ફાયરીંગ, ખંડણી સહિતના ગુનાનો સમાવેશ થાય છે. ધમાબારડ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે ધમા બારડ વિરૂદ્ધ ગુજસીટોક દાખલ કરતા પુર્વ વિસ્તારના રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.