અમદાવાદ : પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝનના કાલુપુર, અસારવા અને સાબરમતી રેલવે સ્ટેશન ઉપર 6 નવેમ્બર સુધી પ્લેટફોર્મ ટિકિટ પર પ્રતિબંધ મુકાયો છે. આગામી તહેવારોની સિઝન દરમિયાન લોકોની વધુ ભીડને યોગ્ય રીતે નિયંત્રિત કરી શકાય તે માટે આ નિર્ણય લેવાયો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના જણાવ્યા મુજબ દિવાળીના તહેવાર દરમિયાન ટ્રેનમાં લોકોની અવર-જવર વધારે થતી હોવાથી અમદાવાદ, સાબરમતી અને અસારવા સ્ટેશનથી પ્લેટફોર્મ ટિકિટનું વિતરણ બંધ કરી દેવામાં આવ્યું છે. 6 નવેમ્બર 2024 સુધી પ્લેટફોર્મ ટિકિટ નહીં મળે. રેલવેમાં મુસાફરી માટે જે લોકો પ્રવાસીઓને મૂકવા માટે તેમજ લેવા માટે આવતા હોય છે, ત્યારે હવેથી ભીડને નિયંત્રિત કરવા માટે પ્લેટફોર્મ ટિકિટ બંધ કરવામાં આવી છે.
દિવાળી, છઠ પૂજા સહિતના તહેવારોને પગલે રેલવે સ્ટેશનો પર માનવ મહેરામણ ઉભરાઈ રહ્યો છે. રેલવે સ્ટેશન પરની ભીડને યોગ્ય રીતે નિયંત્રિત કરવા વ્યવસ્થાના ભાગરૂપે અમદાવાદ ડિવિઝનના અમદાવાદ, અસારવા અને સાબરમતી સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર તાત્કાલિક અસરથી કામચલાઉ પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. આ પગલાનો હેતુ પ્લેટફોર્મ પર ભીડને નિયંત્રિત કરવાનો અને સ્ટેશન પરિસરમાં મુસાફરોની સરળ અવરજવર સુનિશ્ચિત કરવાનો છે.
દિવાળી તહેવાર અને છઠ પૂજા દરમિયાન પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પરનો પ્રતિબંધ તાત્કાલિક અસરથી 6 નવેમ્બર 2024 સુધી લાગુ રહેશે. મુસાફરીને સરળ બનાવવા માટે, વરિષ્ઠ નાગરિકો અને તબીબી સંબંધી જરૂરિયાતવાળા લોકોને આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે. મુસાફરોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ તહેવાર દરમિયાન સરળ અને સલામત મુસાફરી અનુભવ માટે તે મુજબ આયોજન કરે અને નવા નિયમોનું પાલન કરે.
સામાન્ય દિવસોમાં પણ પ્રવાસીઓની ભીડ રહેતી હોય છે ત્યાર તહેવારના દિવસોમાં આ સ્થિતિ ગંભીર રૂપ ધારણ કરે છે. તેવામાં જો પ્લેટફોર્મ પર મુસાફરો સાથે આવતા સંબંધીઓની સંખ્યા ઘટે તો થોડી રાહત થાય તેવું રેલવેનું માનવાનું છે.