અમદાવાદઃ શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો જાણવા મળ્યો છે, જેમાં 10 વર્ષથી એઇડ્સથી (AIDS) પીડાતા એક વ્યક્તિએ 12 વર્ષમાં છ અલગ અલગ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેમનું શોષણ કર્યું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાંચના માનવ તસ્કરી વિરોધી એકમે એઇડ્સથી સંક્રમિત યુવકની ધરપકડ કરી હતી. યુવકને તે એઇડ્સથી પીડાતો હોવાની જાણ છતાં એક સગીરાને પ્રેમજાળમાં ફસાવીને 10 મહિના પહેલા ફરાર થઈ ગયો હતો. ક્રાઇમ બ્રાંચ મુજબ 10 વર્ષથી એઇડ્સથી પીડાતા યુવકે 12 વર્ષમાં અલગ અલગ સમયે છથી વધુ યુવતીને પ્રેમમાં ફસાવી તેમનું શોષણ કર્યું હતું.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના અસારવામાં 22 માર્ચ, 2024ના દિવસે તેમના પરિવાર સાથે એક સામાજિક કાર્યક્રમમાં ગયેલી સગીરા રાત્રે 8 વાગ્યે અચાનક લાપતા બની હતી. જેને લઈ તેના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્રણ મહિના સુધી કોઈ ભાળ નહીં મળતાં કેસ એફ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ દરમિયાન સગીરાના પિતાએ હાઇ કોર્ટમાં હેબિયસ કૉર્પસ દાખલ કરી હતી.શોધખોળમાં લાગેલી પોલીસને આખરે મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લાના કોડરમામાંથી સગીરા મળી આવી.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના માનવ તસ્કરી વિરોધી એકમ દ્વારા સગીરા સાથે ભાગી ગયેલા યુવકની પણ ધરપકડ કરવામાં આવી હતી.આરોપીની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી હતી. ક્રાઇમ બ્રાંચ મુજબ, આરોપી 10 વર્ષથી એઇડ્સથી પીડાતો હતો. 12 વર્ષ દરમિયાન અલગ અલગ સમયે 6 યુવતીને પ્રેમજાળામાં ફસાવીને તેમનું શોષણ કર્યું હતું.