અમદાવાદ : નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાસે ગુજરાતનું સૌથી મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થઈ ગયું છે. આ સ્પોર્ટ કોમ્પ્લેક્સનું નામ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાખવા અંગેનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવ્યો છે. જોકે, શહેરના મેમકો વિસ્તારમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોમ્પલેક્ષ આવેલું છે, જેનું નામ પણ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે ત્યારે એક જ નામના બે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે પરંતુ, નારણપુરામાં બની રહેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આંતરરાષ્ટ્રીય કક્ષાનું હોવાથી તેનું નામ વીર સાવરકર કોમ્પ્લેક્સ રાખવામાં આવ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આગામી વર્ષ 2036 સુધીમાં અમદાવાદને ઓલમ્પિક સીટી તૈયાર કરવાને લઈને આગોતરું આયોજન રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. શહેરના નારણપુરા વિસ્તારમાં 21 એકરથી વધુની જમીનમાં 761 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ બનીને તૈયાર થયું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના રમતગમત વિભાગ તેમજ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલા સૂચનો મુજબ ફેરફાર કરવામાં આવ્યા છે. સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં ઇન્ડોર સ્પોર્ટસ એરેનામાં ઓલિમ્પિક યોજવા માટે બ્લોક-બી અને બ્લોક-સી વચ્ચે સેનીટાઈઝડ પેસેજ ઉમેરવામાં આવ્યું છે. આગામી માર્ચ મહિનામાં ઓલમ્પિક માટે તૈયાર થયેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના મળેલી સૂચના મુજબ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં ઇન્ડોર સ્પોર્ટસ એરેનામાં ઓલિમ્પિક યોજવા માટે બ્લોક-બી અને બ્લોક-સી વચ્ચે સેનીટાઈઝડ પેસેજ ઉમેરવા જણાવવામાં આવ્યું હતું. જે સુચવેલા સુધારા મુજબ રીવાઇઝડ ટેન્ડર કરવામાં આવ્યું હતું. 650 કરોડથી વધુના ખર્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થઈ ગયું છે. 95 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આગામી માર્ચ મહિનામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કરવામાં આવે તેવી શક્યતા છે. આ સમગ્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો પ્રોજેક્ટ છ ભાગમાં વહેંચાયો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓલમ્પિકને ધ્યાનમાં રાખીને નારણપુરા વિસ્તારમાં વિશ્વકક્ષાનું સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવા અંગે ત્રણ વર્ષ પહેલાં નિર્ણય લેવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયર વિભાગના એડિશનલ સીટી ઇજનેર કૃષિ પંડ્યાએ જણાવ્યું હતું કે, 72500 ચોરસ મીટર જગ્યામાં નવું સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવા માટે ત્રણ વર્ષ પહેલાં પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં પ્લોટમાં વધારો થયો છે. 82,507 ચોરસ મીટર જગ્યામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે.