અમદાવાદ: શિક્ષણ વિભાગ દ્વારા અમદાવાદમાં બે અલગ અલગ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી બનાવવાના મોટા સમાચાર સામે આવ્યા છે. જેને લઈને શિક્ષણ વિભાગે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. બે DEO એટલે કે અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તારમાં નદીની આ પાર અને નદીની પેલે પાર એમ બે અલગ અલગ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી બનશે. DEO કચેરીનું વિભાજન થતાં આગામી સમયમાં અમદાવાદમાં વધુ એક ડીઈઓની પણ નિમણૂક થઈ શકે છે.
અમદાવાદના શિક્ષણ વિભાગના મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદને હવે મળશે નવી DEO કચેરી. શહેરમાં આગામી સમયમાં અમદાવાદ પશ્ચિમ અને પૂર્વ DEO કચેરી કાર્યરત થશે. શિક્ષણ વિભાગે અમદાવાદ શહેરના EO પાસેથી પૂર્વ વિસ્તારની શાળાઓની વિગતો માંગી છે. બંને વિસ્તારની નવી DEO કચેરી ખુલતા વાલીઓને દૂર સુધી નહીં જવું પડે.જેનો સીધો ફાયદો વિદ્યાર્થીઓ અને વાલીઓને થશે. પહેલા પૂર્વ વિસ્તારની શાળાઓએ શાળાને લગતી કોઈ પણ ફરિયાદ કે રજૂઆતને લઈને પશ્ચિમ વિસ્તારમાં કલાકોનો સમય બગાડીને આવવું પડતું હતું. જોકે હવે પૂર્વ વિસ્તારમાં જ DEO ઓફિસ બનતા પશ્ચિમ વિસ્તારના ધક્કા નહીં ખાવા પડે.
તો ઘણી વાર એક જ કેમ્પસમાં આવતી સ્કૂલમાં બે DEO કચેરી આવતી હોવાથી કેટલાક નીતિ વિષયક નિર્ણયોમાં પણ ગૂંચવણ પેદા થતી હોય છે. જેથી સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, અમદાવાદ શહેર DEO કચેરીને પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વહેંચવાનું અત્યારે આયોજન કરાયું છે. બે DEO કચેરી થતાં નવા એક વર્ગ-1ના અધિકારી તેમજ અન્ય વર્ગ-2થી લઈને ક્લાર્ક સુધીના સ્ટાફ માટેનું નવુ મહેકમ પણ ઊભુ કરવું અનિવાર્ય થશે.
શાળાને લગતી કોઈ ફરિયાદ કે રજૂઆત હોય તો ડ્રાઇવઇન સુધી લાંબા થવું પડતું હતું તે મુશ્કેલી હવે નહીં પડે. અમદાવાદ શાળા સંચાલક મંડળે સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. શાળા સંચાલક મંડળે જણાવ્યું કે અમદાવાદ શહેર અને ઔડાનો વિસ્તાર વધતા DEO નું ભારણ ઘટાડાશે.DEO કચેરીનું વિભાજન થતાં આગામી સમયમાં અમદાવાદમાં વધુ એક DEO ની પણ નિમણૂક થઈ શકે છે.