અમદાવાદ : સરકારી કચેરીમાં કોઈપણ કામ માટે લાંચ આપવી હવે સામાન્ય થઈ ગઈ હોય તેમ અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનામાં વપરાયેલી ઓટો રિક્ષા શંકાના આધારે કબજે કરવામાં આવી હતી. આ ઓટો રિક્ષા છોડવા માટે ડી સ્ટાફના કોન્સ્ટેબલ રિક્ષા માલિક પાસેથી 3 હજારની લાંચ લેતા ઝડપાયો છે. ACB એ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, બાપુનગર પોલીસ સ્ટેશનમાં સર્વેન્સ સ્કોડમાં ફરજ બજાવતા સહદેવસિંહે લૂંટના ગુનામાં રીક્ષાનો ઉપયોગ થયાની શંકાના આધારે રિક્ષા કબ્જે કરી હતી, ત્યારબાદ રીક્ષા પરત આપવા માટે ફરિયાદી પાસેથી રૂ.૩ હજારની લાંચ માંગી હતી. ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોઈ તેમણે ACB નો સંપર્ક કર્યો હતો. ACB એ ટ્રેપનું આયોજન કરીને લાંચની રકમ સ્વીકારવા આવેલા સહદેવસિંહને બાપુનગર ચાર રસ્તા પાસેથી દબોચી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ACB દ્વારા રિક્ષા ચાલકને સાથે રાખીને ટ્રેપ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન બાપુનગર ચાર રસ્તા પાસે સંસ્કાર આઈસ્ક્રીમની દુકાનમાં સહદેવસિંહ રીક્ષા માલિક પાસેથી 3,000ની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો. પોલીસે આરોપી કોન્સ્ટેબલની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.