અમદાવાદ : અમદાવાદમાં એક દરજીને મહિલાને સમયસર બ્લાઉઝ સીવી ન આપવું મોંઘુ પડ્યું છે. કોર્ટે દરજીને ભારે દંડ ફટકાર્યો છે. હકીકતમાં, આ મામલો વર્ષ 2024નો છે, જ્યારે નવરંગપુરા વિસ્તારમાં રહેતી એક મહિલાને તેના એક સંબંધીના લગ્નમાં હાજરી આપવાની હતી. મહિલાએ સીજી રોડ સ્થિત એક દરજીની દુકાને બ્લાઉઝ સીવડાવવાનો ઓર્ડર આપ્યો હતો. મહિલાએ બ્લાઉઝની સિલાઈ માટે 4,395 રૂપિયા એડવાન્સમાં જ દરજીને આપી દીધા હતા. દરજીએ વચન આપ્યું હતું કે તે લગ્ન પહેલાં બ્લાઉઝ તૈયાર કરી દેશે જેથી મહિલા તેને સમયસર પહેરી શકે. લગ્નની તારીખ 24 ડિસેમ્બર 2024 નક્કી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના નવરંગપુરાના એક મહિલા ગ્રાહકે નવેમ્બર, 2024માં સોનીઝ ધી ડિઝાઇનર શોપ, સી.જી. રોડના ટેલર હરેશભાઇને લગ્નમાં ટ્રેડિશનલ સાડી માટે બ્લાઉઝની ડિઝાઇન અને કાપડ સાથે 4,395 રૂપિયા એડવાન્સમાં ચૂકવ્યા હતા. પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી 24 ડિસેમ્બરે પહેરવાનું બ્લાઉઝ સમયસર તૈયાર થઈ જાય તેવી મહિલા ગ્રાહકને અપેક્ષા હતી. દરજી અને મહિલા વચ્ચે નક્કી થયેલા સમય પ્રમાણે તે 14 ડિસેમ્બરે બ્લાઉઝ લેવા ગયા હતા, પરંતુ બ્લાઉઝ મહિલાના ઓર્ડર મુજબ સીવેલ નહોતો.જ્યારે મહિલાએ આના પર વાંધો ઉઠાવ્યો, તો દરજીએ તેને ખાતરી આપી કે તે બ્લાઉઝને ઠીક કરાવીને લગ્ન પહેલાં આપી દેશે. પણ સમય વીતતો ગયો. લગ્નનો દિવસ પણ પસાર થઈ ગયો, પરંતુ બ્લાઉઝ મહિલા સુધી પહોંચ્યો નહીં. આખરે, મહિલાએ દરજીને કાયદાકીય નોટિસ મોકલી અને ગ્રાહક આયોગમાં ફરિયાદ નોંધાવી.
સુનાવણી દરમિયાન દરજી આયોગમાં હાજર જ ન થયો, જેના કારણે કેસ એક તરફી રીતે સાંભળવામાં આવ્યો. આયોગે પોતાના નિર્ણયમાં કહ્યું કે દરજી દ્વારા સમયસર સેવા ન આપવી અને ઓર્ડર પૂરો ન કરવો સ્પષ્ટપણે સેવામાં ખામી હેઠળ આવે છે. આયોગે પોતાના આદેશમાં કહ્યું કે તે સાબિત થાય છે કે ફરિયાદકર્તાએ એડવાન્સ ચુકવણી કરવા છતાં સેવા મેળવી નથી. લગ્ન સમારોહ માટે ઓર્ડર આપવામાં આવેલો બ્લાઉઝ સમયસર સીવવામાં આવ્યો નથી. તેનાથી ફરિયાદીને માનસિક ત્રાસ સહન કરવો પડ્યો. આયોગે દરજીને આદેશ આપ્યો કે તે 4,395 રૂપિયાની રકમ 7% વાર્ષિક વ્યાજ સાથે પાછી આપે. આ ઉપરાંત તેને માનસિક પીડા અને મુકદ્દમેબાજી (કેસ લડવાના) ખર્ચના રૂપમાં વધારાના 2,500 રૂપિયાનું વળતર આપવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો.


