અમદાવાદ : દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ રાજ્યમાં જાહેર સ્થળો સહિત અંબાજી, સોમનાથ અને દ્વારકા સહિતના ધાર્મિક સ્થળો પર એલર્ટ જાહેર કરાયું છે. દરેક સ્થળો પર સુરક્ષાને લઈને પોલીસને સતર્ક કરાઈ છે. અમદાવાદમાં પણ ભદ્રકાળી મંદિર પાસે ચેકિંગ હાથ ધરાયું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાજ્યના પોલીસ વડા (DGP) વિકાસ સહાયે તાત્કાલિક અસરથી રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા અને તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવા માટે આદેશો જારી કર્યા છે.રાજ્યમાં જાહેર સ્થળો સહિત અંબાજી, સોમનાથ અને દ્વારકા સહિતના ધાર્મિક સ્થળો પર એલર્ટ જાહેર કરાયું છે.
રાજ્યના ત્રણ વિખ્યાત મદિરોમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે, અંબાજી, શામળાજી અને જગન્નાથજી મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરમાં પણ કડક સુરક્ષા વ્યવસ્થા જોવા મળી રહી છે. દર્શન કરવા આવતા ભક્તોને સુરક્ષા કર્મીઓ ચેકિંગ કરી રહ્યા છે. શક્તિ દ્વાર પાસે મેટલ ડિટેક્ટર દ્વારા સઘન ચેકીંગ કરી રહ્યા છે.
અંબાજી મંદિર ખાતે 24 કલાક માટે LMG સાથે સુરક્ષા ગાર્ડ પણ તૈનાત રાખવામાં આવ્યા છે. મંદિરના તમામ ગેટ પર ભારે સુરક્ષા વ્યવસ્થા જોવા મળી છે,ગઈ કાલે રાત્રે BDS ટીમ અને ડોગ સ્ક્વોડ ટીમ પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
અમદાવાદમાં આવેલા સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયુ છે.જગન્નાથ મંદિરમાં આવતા દર્શનાર્થીઓ અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
યાત્રાધામ શામળાજી મંદિરમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરવામાં આવી છે. શામળાજીમાં SRPના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ચુસ્ત બંદોબસ્ત હેઠળ મંદિરમાં દર્શન માટે આવતા ભક્તોનું પણ ચેકિંગ હાથ ધર્યું છે.
આ એલર્ટના પગલે રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં ભીડભાડવાળા વિસ્તારો જેવા કે રેલવે સ્ટેશન, એસ.ટી. બસ સ્ટેશન, મોલ, એરપોર્ટ અને અન્ય જાહેર સ્થળોએ પોલીસ દ્વારા ખાસ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજ્યભરમાં ધાર્મિક સ્થળો, ખાસ કરીને મોટા મંદિરો પર સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.
ગાંધીનગર મંત્રી નિવાસ સ્થાન તરફના રસ્તા સુરક્ષા વધારો કરાયો છે. એલર્ટના પગલે સર્કિટ હાઉસથી મંત્રી નિવાસ સ્થાન સુધી બેરિકેટિંગ કરાયું છે. ગાંધીનગરથી પસાર થતા વાહનોને રોકીને પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે.


