અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ લાલ આંખ કરી છે. શહેરના ચંડોળા, કુબેરનગરના ઉમલા તળાવ અને ઈસનપુર તળાવ બાદ વધુ એક તળાવ પર બુલડોઝર ફરી વળ્યું છે. શહેરના વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવમાં આવેલા 420 રહેણાંક અને 30 કોમર્શિયલ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ થઈ છે. કુલ ચાર તબક્કામાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજે વહેલી સવારથી જ AMC ના એસ્ટેટ વિભાગની ટીમ જેસીબી અને લોડર સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, ડિમોલિશન અંગે માહિતી આપતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું, વાંદરવટ તળાવની 58,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે. 430 રહેણાંક અને 30 કોમર્શિયલ દબાણો દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. હિટાચી અને JCB દ્વારા દબાણ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 2010 પહેલા વસતા લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વાંદરવટ તળાવ, મહાલક્ષ્મી તળાવ અને રોપડા તળાવનું ઇન્ટર લિંકિગ કરવાનું હોવાથી દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે.
દબાણ હટાવાની કામગીરીમાં 300 અધિકારીઓ-કર્મચારીઓ અને 500 પોલીસ જવાનો જોડાયા છે. 12 હિટાચી મશીન અને 4 જેસીબી મશીનની મદદથી દબાણ હટાવવામાં આવી રહ્યા છે. ડિમોલિશન કામગીરી જોવા માટે સ્થાનિકો ભેગા થયા છે, જેથી તમામને ઘરમાં રહેવા માટે જણાવાયું છે. ગેરકાયદેસર બાંધકામોની સાથે તળાવની બાજુમાં આવેલા ટીપી રોડને ખોલવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે. તળાવની બાજુમાંથી 18 અને 24 મીટરના રોડ પસાર થાય છે જે હાલમાં હયાત 8 મીટર જેટલા છે. જેથી રોડ ઉપર આવેલા આ તમામ ગેરકાયદેસર બાંધકામો ડિમોલિશન કરવામાં આવી રહ્યા છે.
AMC દ્વારા આ ડિમોલીશન માત્ર દબાણ હટાવવા માટે જ નહીં, પરંતુ પર્યાવરણ અને શહેરના વિકાસના હેતુથી કરવામાં આવ્યું છે. તંત્રના જણાવ્યા અનુસાર ડિમોલીશનની કામગીરી પૂર્ણ થયા બાદ આ તળાવને ડેવલપ કરવામાં આવશે. સ્થાનિક રહેવાસીઓ માટે વૉકિંગ ટ્રેક, ગાર્ડન અને સુશોભિત લાઈટિંગ જેવી સુવિધાઓ ઉભી કરાશે. જળસંચયની ક્ષમતા વધારવા માટે તળાવનું ઊંડુંકરણ પણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક સમયથી જળાશયોને પુનઃજીવિત કરવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અગાઉ ચંડોળા તળાવ અને ઇસનપુર તળાવ પાસેના હજારો ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. આ જ કડીમાં આજે વટવા વાનર વટ તળાવનો વારો આવ્યો છે, જેનાથી પૂર્વ વિસ્તારમાં ભૂમાફિયાઓ અને ગેરકાયદે બાંધકામ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.


