અમદાવાદ : અમદાવાદમાં આવેલી ચાલીઓમાં હવે સ્ટ્રીટ લાઈટના પોલ નાખવામાં આવશે. ગત 22 જાન્યુઆરીના રોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી 26,949 ચાલીઓમાં સ્ટ્રીટલાઈટના પોલ નાખવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ત્રણ મહિનામાં જે ચાલીઓમાં સ્ટ્રીટ લાઈટ ન હોય ત્યાં સ્ટ્રીટ લાઈટ નાખી દેવામાં આવશે જેથી નાગરિકોને હાલાકી પડશે નહીં.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અલગ અલગ પૂર્વ ઝોન, ઉત્તર ઝોન, દક્ષિણ ઝોનમાં જે ચાલીઓ આવેલી છે ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરસીસી રોડ, પેવર બ્લોક, પાણી અને ગટરની સુવિધા આપવામાં આવે છે, પરંતુ અત્યાર સુધી કેટલીક ચાલીઓમાં લાઈટનો અભાવ હતો. ત્યારે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં 26949 જેટલી ચાલીઓમાં સ્ટ્રીટ લાઈટના પોલ લગાવવામાં આવશે. જેથી ત્રણથી ચાર લાખ લોકોને ફાયદો મળશે. સ્ટ્રીટ લાઈટ પોલ નાખવા પાછળ રૂ. 2.5થી 3 કરોડના ખર્ચે લાઈટ નાખીને અજવાળું કરવામાં આવશે.
મ્યુનિસિપલ આવેલી ચાલીઓ તથા ઝૂંપડાઓ, જ્યાં ગટર, પાણી અને રોડ જેવી પ્રાથમીક સુવિધાઓ આપવામાં આવતી હોય અને તેઓના પ્રોપર્ટી ટેક્સ બીલમાં ચાલી તરીકેનો ઉલ્લેખ હોય તેવા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા જનરલ બજેટમાંથી આપવામાં આવશે. જે ચાલી/ઝૂંપડાઓના પ્રોપર્ટી ટેક્સ બીલમાં ચાલી તરીકેનો ઉલ્લેખ હોય ત્યાં સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ થશે.


