મુંબઈ : સળંગ 12 દિવસ સુધી તૂટ્યા પછી સતત બીજા દિવસે પણ અદાણી જૂથના શેરોમાં સારી એવી રિકવરી જોવા મળી છે. ખાસ કરીને અદાણી ગ્રૂપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર જોરદાર પ્રદર્શન કરી રહ્યો છે. છેલ્લા ચાર દિવસમાં આ શેર લગભગ ડબલ થઈ ગયો છે. ગયા સપ્તાહમાં શુક્રવારે રૂ. 1017 સુધી પહોંચી ગયા પછી અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર આજે 2022 સુધી પહોંચી ગયો હતો. આ ઉપરાંત અદાણી જૂથના બીજા શેરોમાં પણ પાંચ ટકાથી લઈને 8 ટકા સુધી છલાંગ જોવા મળી છે.
આ લખાય છે ત્યારે અદાણી પોર્ટ્સનો શેર 6.92 ટકા વધીને 591 પર ચાલતો હતો. જ્યારે અદાણી ટ્રાન્સમિશનનો શેર 5 ટકા વધીને 1314 પર હતો. અદાણી વિલ્મર 5 ટકાની અપર સર્કિટ સાથે 418 પર હતો. જ્યારે અદાણી પાવરનો શેર 5 ટકા વધીને 182 પર ચાલતો હતો. અન્ય કંપનીઓની વાત કરીએ તો ACC 0.23 ટકા વધીને 2000 પર હતો જ્યારે અંબુજા સિમેન્ટ એક ટકા વધીને 387 પર હતો. મીડિયા કંપની NDTVનો શેર 4.40 ટકા વધીને 226 પર ચાલતો હતો.