અમદાવાદ : અમદાવાદ પોલીસનું ટ્રાફિકના નિયમોને લઇને અનોખું રૂપ સામે આવ્યું છે. ઘણી જગ્યાએ પોલીસે દંડ ફટકારવાના બદલે લોકોને રોકીને સમજાવવાને મહત્વ આપ્યું. નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોને સમજાવતાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે કહ્યું. આ દરમિયાન પૂર્વના સીટીએમ વિસ્તારમાં ટ્રાફિક ASI પ્રદીપસિંહ વાઘેલા અને TRB જવાનોની પ્રશંસનીય મહેનત સામે આવી.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરના પૂર્વના સીટીએમ વિસ્તારમાં શહેર ટ્રાફિક દ્વારા ચોકલેટ ડે ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ફોરવહીલર વાહન ચાલકોએ સીટબેલ્ટ બાંધ્યો હોય તેઓને મોટી ચોકલેટ આપીને અને ટુ વ્હીલર ઉપર હેલ્મેટ પહેરીને ટુ વ્હીલર ચલાવતા વાહનચાલકોને પણ વાહનોના નિયમોનું પાલન કરવા બાબતે ચોકલેટ આપીને તેઓનું સન્માન અને આભાર માનવામાં આવ્યો હતો અને નિયમનું પાલન નહી કરનાર વાહનચાલકોને પણ નાની ચોકલેટ આપીને તેઓને નિયમોનું પાલન કરવા માટેની ટ્રાફિક વિભાગ દ્વારા વિનંતી પણ કરવામાં આવી હતી.
શહેર ટ્રાફિક પોલીસની આ સુંદર પહેલથી પ્રજા અને પોલીસ વચ્ચે મિત્રતા વધે અને પોલીસ પ્રજાની મિત્ર જ છે એવી ભાવના સાથે ઉમદા કાર્ય કરનાર ASI પ્રદીપસિંહ વાઘેલા અને તેમના સાથી TRB જવાનો દ્વારા આજના આ ચોકલેટ ડે ની સુંદર ઉજવણી કરવામાં આવી તે બદલ મિર્ચી ન્યૂઝ પરિવાર સમગ્ર ટ્રાફિક વિભાગનો ખૂબ ખૂબ આભાર માને છે.