અમદાવાદ : ભારતીય રેલવેએ અમદાવાદના છ સહિત રાજ્યમાં 87 સ્ટેશનોનો પુનર્વિકાસનું કામ હાથ ધર્યું છે. અમદાવાદ જંક્શન (કાલુપુર) સ્ટેશનનો પુનર્વિકાસ કામગીરી દિવાળી સુધીમાં શરુ થવાની સંભાવના છે. અમદાવાદના અન્ય પાંચ સ્ટેશનો સાબરમતી, ગાંધીગ્રામ, મણિનગર, ચાંદલોડિયા અને અસારવા રિડેવલપ કરવાના છે.
જેમાં અમદાવાદના સૌથી ભરચક એવા કાલુપુર રેલવે સ્ટેશનને મોઢેરાના સૂર્યમંદિરની થીમ પર નવેસરથી રિડેવલપ કરવાનો નિર્ણય લેવાયો છે. જે કામગીરી 36 મહિનામાં પૂરી થશે. કાલુપુર બ્રિજથી સારંગપુર બ્રિજ સુધીના વિસ્તારમાં ડેવલપ થનારા આ સ્ટેશન પર એલિવેટેડ રોડ નેટવર્કથી બુલેટ-મેટ્રો ટ્રેન, બીઆરટીએસ કનેક્ટિવિટી મળશે.
મીડિયા રિપોર્ટ મુજબ આ પ્રોજેક્ટમાં મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ, મલ્ટિ લેવલ કાર પાર્કિંગ, સ્કાયવોક, લેન્ડસ્કેપ પ્લાઝા હશે. કાલુપુર તરફ મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ બિલ્ડિંગનું ટાવર શહેર માટે એક નવું લેન્ડમાર્ક બનશે. આ ઉપરાંત ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા બન્ને ઝુલતા મિનારાને સ્ટેશન પરિસરમાં જ સાંકળી લેવામાં આવશે. તેની સાથે જ આ સ્ટેશનની ડિઝાઇનમાં અડાલજની વાવની થીમ પર એક ઓપન સ્પેસ એમ્ફીથિયેટર તૈયાર કરાશે.
રેલવે ટ્રેકની ઉપર 15 એકર એરિયામાં કોન્કોર્સ પ્લાઝા પેસેન્જરો માટે વેઈટિંગ એરિયા હશે. જેમાં શૌચાલય, પીવાનું પાણી, ફૂડ કોર્ટ, રિટેલ આઉટલેટ્સ, કિઓસ્ક, બેબી ફીડિંગ રૂમ વગેરે જેવી સુવિધાઓ હશે. સ્ટેશન પરિસરમાં ભીડ કર્યા વગર સરળતાથી અવરજવર કરી શકશે. તેની સાથે અંડરગ્રાઉન્ડ પાર્કિંગની સુવિધા સાથે સ્ટેશન પરિસરમાં લિફ્ટ અને એસ્કેલેટર લગાવવામાં આવશે.