નવી દિલ્હી : દેશમાં એક બાજુ મોંઘવારીએ હાહાકાર મચાવ્યો છે. તો બીજી તરફ ભારત સરકાર મોંઘવારીથી લોકોને મુશ્કેલી ન પડે તે માટે વિવિધ નિર્ણયો કરી રહી છે. ગેસના ભાવમાં વધારાને કારણે છેલ્લા કેટલાક મહિનામાં PNG થી CNGના ભાવમાં મોટો વધારો થયો છે. પરંતુ સામાન્ય લોકોને મોંઘા ગેસમાંથી રાહત આપવા માટે મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે.
મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેબિનેટે પ્રાકૃતિક ગેસની કિંમતો નક્કી કરવાની નવી ફોર્મ્યુલાને મંજૂરી આપી દીધી છે. કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલી નવી ફોર્મ્યુલા હેઠળ હવે સ્થાનિક કુદરતી ગેસની કિંમત ભારતીય ક્રૂડ બાસ્કેટની કિંમતના આધારે નક્કી કરવામાં આવશે. જ્યારે અત્યાર સુધી સ્થાનિક કુદરતી ગેસની કિંમત વિશ્વના ચાર મુખ્ય ગેસ ટ્રેડિંગ હબના ભાવના આધારે નક્કી કરવામાં આવતી હતી.
કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક દરમિયાન મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં પેટ્રોલિયમ મંત્રાલયને લગતો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે કેબિનેટે કુદરતી ગેસની કિંમત નક્કી કરવા માટે નવી ફોર્મ્યુલાને મંજૂરી આપી દીધી છે.
નવી ફોર્મ્યુલા હેઠળ ગેસની કિંમત દર મહિને નક્કી કરવામાં આવશે. જ્યારે જૂની ફોર્મ્યુલા હેઠળ દર છ મહિને ગેસનો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત નવી ફોર્મ્યુલા હેઠળ, છેલ્લા એક મહિનાથી ભારતીય ક્રૂડ બાસ્કેટના ભાવને સ્થાનિક કુદરતી ગેસના ભાવના આધાર તરીકે લેવામાં આવશે. અગાઉ જૂના ફોર્મ્યુલા હેઠળ, વિશ્વના ચારેય ગેસ ટ્રેડિંગ હબની છેલ્લા એક વર્ષની કિંમતની સરેરાશ લેવામાં આવે છે અને પછી તેને ત્રણ મહિનાના અંતરાલ પર લાગુ કરવામાં આવે છે.
સરકારનો દાવો છે કે નવી ફોર્મ્યુલા લાગુ થવાથી CNG-PNGનો ભાવ સસ્સતો થશે. આ સાથે ઘરેલું ગ્રાહકોને વધુ સ્થિર ભાવે ગેસ મળશે. આ સિવાય ખાતર બનાવતી કંપનીઓને સસ્તો ગેસ મળશે, જેના કારણે ખાતરની સબસિડીમાં ઘટાડો થશે. નવી ફોર્મ્યુલા લાગુ થવાથી એનર્જી સેક્ટરને સસ્તો ગેસ મળશે. આ સાથે સ્થાનિક ગેસ ઉત્પાદક દેશને વધુ ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
આ નિર્ણયથી આગામી બે દિવસમાં એટલે કે શનિવારથી CNG અને PNGના ભાવમાં ઘટાડો થશે. PNGની કિંમતમાં 10%નો ઘટાડો થશે. તે જ સમયે સીએનજીની કિંમત લગભગ 6 થી 9% સુધી નીચે આવશે.