અમદાવાદ : રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પારો વધતા 108ને મળતાં કોલમાં વધારો થયો છે.એક રિપોર્ટ મુજબ છેલ્લા બે સપ્તાહમાં ગુજરાતમાં 14 ટકા અને અમદાવાદમાં 21 ટકા વધુ કોલ મળ્યા છે. બેભાન થવાના, લુ લાગવાના અને હિટ સ્ટ્રોક લાગવાની વ્યાપક ફરિયાદો 108ને મળી છે. બે સપ્તાહ અગાઉ ગુજરાતભરમાંથી ગરમીને લગતા 1400 જેટલા કોલ મળ્યા હતા, જે ગત સપ્તાહે 1500ને પાર થયા છે. આ જ રીતે બે સપ્તાહ અગાઉ અમદાવાદમાં 2100 જેટલા કોલ મળ્યા જે ગત સપ્તાહમાં 2300 ને પાર પહોંચ્યા છે.
સમગ્ર રાજ્યમાં ગરમીનું પ્રમાણમાં વધારો થતા પેટમાં દુખાવો, વધુ પડતો તાવ, માથાનો દુખાવો, બેભાન થવાના અને ઝાડા ઉલટીના કેસોમાં વધારો થયો છે. છેલ્લા 14 દિવસમાં રાજ્યમાં હિટ સ્ટ્રોકના 36 કેસ નોંધાયા છે. જેમાં છેલ્લા એક અઠવાડિયામાં જ 29 કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદમાં ગરમીને લઈ 108 ઈમરજન્સીમાં પેટમાં દુઃખાવો, વધુ પડતો તાવ અને ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો થયો છે.
ગુજરાત અને એમાંય ખાસ કરીને અમદાવાદમાં જાણે આકાશમાંથી અગનજ્વાળા વરસી રહી છે. છેલ્લાં બે દિવસ દરમ્યાન રાજ્યમાં અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે.કંડલા,સુરેન્દ્રનગર,ગાંધીનગર અને વલ્લભ વિદ્યાનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના કુલ 13 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. જો કે રાહતની વાત એ છે કે આગામી પાંચ દિવસ તાપમાનનો પારો નીચે જશે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ થયા છે.
108 ઇમરજન્સી સેવાના જણાવ્યા મુજબ જ્યારે કોઈપણ વ્યક્તિને વધારે પડતી ગરમી, બેભાન થવું કે લુ લાગે તો 108 ઈમરજન્સી સેવાને જાણ કરે જેનાથી તાત્કાલિક ધોરણે તે વ્યક્તિને સારવાર મળી રહે છે. ઘણા કિસ્સામાં લોકો ખાનગી વાહનમાં તેને હોસ્પિટલ પહોંચાડતા હોય છે પરંતુ 108 ઈમરજન્સીની મદદ લેશે તો તેઓને તરત જ ત્યાં ટ્રીટમેન્ટ મળી રહે છે. 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવામાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓને ગરમીને ધ્યાનમાં રાખી જો ગરમીના રોગો ને લગતા કેસો આવે તો તેઓને કઈ રીતે સારવાર આપવી વગેરે અંગેની તાલીમ પણ આપવામાં આવી છે.