અમદાવાદ : શહેરની અનેક ખાનગી સોસાયટીઓમાં રિડેવલપમેન્ટના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે ત્યારે નવાવાડજમાં આવેલ મહાત્મા પાર્ક સોસાયટીમાં પણ રિડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે, ચર્ચાઓ મુજબ સોસાયટીમાં રહેતા ચાર-પાંચ સભ્યો રિડેવલપમેન્ટ માટે તૈયાર ન થતા રિડેવલપમેન્ટની પ્રક્રિયા અટકી છે. જેને લઈને હાલની સ્થિતિ થઈ ગઈ છે કે ગમે ત્યારે ગમે તે દુર્ઘટનામાં કોઈનો જીવ જઈ શકે તેવી શંકાઓ લોકો વ્યક્ત કરી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ નવા વાડજમાં સ્વામીનારાયણ મંદિર પાસે આવેલ મહાત્મા પાર્ક સોસાયટી 42 વર્ષ જૂની હાઉસીંગ કો ઓપરેટીવ સોસાયટી છે જેમાં મોટાભાગના ફ્લેટ જર્જરિત અવસ્થામાં છે, સ્થાનિક રહીશો ગમે ત્યારે દુર્ઘટના ઘટી શકે એવી શંકા વ્યક્ત કરી રહ્યા છે, લોકોમાં ડરનો માહોલ છે, એક રહીશના જણાવ્યા મુજબ અનેક ફ્લેટોમાં ધાબા ખૂલી ગયા છે, ઓવરહેડ ટાંકીઓ જર્જરિત છે, કોમન સીડીમાં ઉપરના ગાબડા ગમે ત્યારે તૂટી પડે એમ છે, ગટર લાઇનો લીક છે અને દિવસે ને દિવસે સોસાયટીના અનેક ફ્લેટમાં તિરાડો વધતી જાય છે. સોસાયટીના મોટાભાગના ફલેટોની વર્તમાન હાલત એવી થઇ ગઈ છે કે ગમે ત્યારે ગમે તે દુર્ઘટના ઘટે એમ છે અને કોઈનો પણ જીવ જઈ શકે તેમ છે.
એક રહીશના જણાવ્યા મુજબ સોસાયટીના વર્તમાન 72 સભ્યોમાંથી મોટાભાગના સભ્યો રિડેવલપમેન્ટ માટે તૈયાર છે, ફલેટના મોટા ભાગના રહીશો રિડેવલપમેન્ટ માટે ઉત્સુક અને સક્રિય છે ત્યારે કેટલાક ગણ્યા ગાઠયા લોકો અંગત સ્વાર્થ અને ખોટી માંગણીઓને લઈને સોસાયટીના બાકીને રહીશોના જીવ જોખમમાં મૂકવા માટે તત્પર થયા છે. છેલ્લાં એક વર્ષથી વધુ સમયથી સોસાયટીમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે, ચાર-પાંચ સભ્યો યેનકેન પ્રકારે રિડેવલપમેન્ટમાં રોડા નાખી અટકાવી રહ્યા છે એવી ચર્ચાઓ છે.
મહાત્મા પાર્ક સોસાયટી કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી હોવાના લીધે સરકારનું કે મ્યુ તંત્રનું તેના પર ધ્યાન નથી, પરંતુ ફ્લેટમાં રહેતા બાળકો, મહિલાઓ અને સિનિયર સિટીઝન, કોઈપણને કંઇ થઈ ગયું તો તેની જવાબદારી કોની??