અમદાવાદ: અનેક કિસ્સામાં બીમારી મટી ગયા પછી દવાઓ ફેંકી દઈ વેડફાઈ જાય છે તો કેટલાક કિસ્સામાં દવાઓની અછતને કારણે દર્દીને વઘુ પડતી તકલીફનો ભોગ બનવું પડે છે. આ સમસ્યાના નિવારણના ભાગરૂપે અમદાવાદમાં ઘાટલોડિયા આવેલી જ્ઞાન્દા ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રોટરી ક્લબ ઓફ અમદાવાદ, સૂર્યોદયના સહયોગથી વણવપરાયેલ દવાઓનું કલેક્શન કરી નિલકંઠ મહાદેવ ટ્રસ્ટને નિ:શુલ્ક સુપ્રત કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ સમાજને પ્રેરણારૂપ કાર્ય કર્યું છે. જેમાં વિધાર્થીઓએ દવાનું યોગ્ય મહત્વ અને નિકાલને સમજીને વણવપરાયેલ અને ઉપયોગી દવાઓનું એક કલેક્શન કરવામાં આવ્યુ હતું. આ 2,51,000 રૂપિયાનું જંગી મેડિસિન એકઠી કરી નિલકંઠ મહાદેવ ટ્રસ્ટમાં નિ:શુલ્ક જમા કરાવી સમાજને પ્રેરણારૂપ કાર્ય કર્યું છે.જે અભિનંદનને પાત્ર છે.આમ જોવા જઈએ તો દવા શરીરમાં થતી બીમારીઓ સામે રક્ષણ મેળવવા માટે લેવામાં આવે છે. પરંતુ કેટલાક લોકોને થયેલી બીમારી મટી ગયા પછી અથવા વણવપરાયેલ દવાને ફેંકી દેતા હોય છે.જે પર્યાવરણમાં ભળતા જોખમી પ્રદૂષણ ફેલાવે છે.
જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ જાગૃતિબેન પટેલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ઘણા લોકો ઉપયોગી કે વણવપરાયેલ દવાને ફેંકી દેતા હોય છે. જ્યારે તેઓ નીલકંઠ મહાદેવ મંદિર દર્શન કરવા ગયા ત્યારે ત્યા બાજુમાં મૂકેલું એક બોક્સ જોયું. જેના પર લખ્યું હતું કે તમારા ઘરમાં વણવપરાયેલ દવા અહીં જમા કરાવી શકો છો.એ પછી ટ્રસ્ટમાં પૂછપરછ કરતા જાણવા મળ્યું કે નિલકંઠ મહાદેવ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓના ઇલાજ માટે નિ:શુલ્ક મેડિસિન કેમ્પ ચલાવવામાં આવે છે. આ સાથે દર્દીને જરૂરી દવાઓ પણ નિ:શુલ્ક આપવામાં આવે છે. તેથી તેમણે તેમની સ્કૂલના વિદ્યાર્થીઓની મદદથી 2,51,000 રૂપિયા જેટલી રકમની વણવપરાયેલ અને ઉપયોગી દવાઓનું કલેક્શન કરી સંસ્થામાં સુપ્રત કરી હતી.
આનો ઉદ્દેશ્ય માત્ર એ જ છે કે જરૂરી દવાઓ ક્યાક વેડફાય નહિ અને જરૂરિયાતમંદ દર્દીઓના સારવાર માટે યોગ્ય દવાઓ મળી રહે. જો આ કાર્યને લોકો સમજશે તો દવા ફેંકી દેવાથી થતું પ્રદૂષણ પણ અટકશે.