અમદાવાદ : આજે અમદાવાદ માટે ઐતિહાસિક ક્ષણ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ક્રિકેટનો ફાઈનલ જંગ આજે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાનો છે. આ ફાઈનલ ક્રિકેટ જંગનો ફિવર ક્રિકેટપ્રેમીઓમાં જોવા મળી રહ્યો છે. આજે બપોરે બે વાગે શરૂ થનારી મેચ માટે સવારથી જ લોકો સ્ટેડિયમમાં પોતાની જગ્યા લેવાનું શરૂ કરી દેશે. જો તમે પણ મેચ જોવા જવાના હોવ કે તમારું કોઇ પરિચિત મેચ જોવાનું હોય તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની જરૂર પડશે નહીં તો સ્ટેડિયમમાં એન્ટ્રી નહીં મળે.
સ્ટેડિયમની અંદર પ્રવેશતી વખતે વ્યક્તિ પાસે કોઈપણ પ્રકારની વધારાની વસ્તુ ન હોવી જોઈએ. જેવી કે ખતરનાક વસ્તુ, શસ્ત્રો, ધ્વજની લાંબી લાકડી, હોર્ન્સ, વ્હીસલ, સંગીતના સાધનો, મેટલ કેન્સ, કાચ કે પ્લાસ્ટિકની બોટલો, અપમાનજનક કે રાજકીય સાઈનેજ, ડ્રોન, ચાર્જિંગ ડિવાઈસ, પાવર બેંક, બેગ (નાના લેડીઝ પર્સ સિવાય) વગેરે.
આ ઉપરાંત કોઇ પ્રાણી, રોકડા રૂપિયા, પરફ્યુમ કે મેકઅપની વસ્તુઓ (100 મિલી કરતા મોટી વસ્તુ), વીડિયો કે ફોટોગ્રાફિક કે ઓડિયોના સાધનો (મોબાઇલ ફોન સિવાય), દૂરબીન, ફૂડ, હેલ્મેટ, છત્રી, ઇલેક્ટ્રિકલ સામાન (હેડફોન સિવાય), સેલ્ફી સ્ટિક, કોઈન્સ, નશાકારક પદાર્થ જેમ કે સિગારેટ, તમાકુ, ગુટકા તથા જ્વલનશીલ વસ્તુઓ જેવી કે લાઈટર, માચીસ વગેરે સાથે પણ સ્ટેડિયમની અંદર પ્રવેશ આપવામાં આવશે નહીં.
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) November 18, 2023
મહિલા દર્શકના જો પર્સમાંથી મેકઅપનો સામાન નીકળશે તો તેને ડસ્ટબિનમાં સ્વાહા કરી દેવામાં આવશે. મહિલા દર્શકને સ્ટેડિયમમાં એક નાની એવી લિપસ્ટીક તો સાથે પુરુષોને કાંસકો પણ નહીં લઈ જવા દે. આ સાથે જ તમારી મનપસંદ ટીમ કે પછી ખેલાડીને સપોર્ટ કરવા બેનર, ઝંડા, પોસ્ટર લઈ જઈ શકશો પરંતુ, ઝંડો લગાવવાની સ્ટિક કે અન્ય વસ્તુ નહીં લઈ જઈ શકશો.
સવારના 10 વાગ્યાથી લોકોને ધીમે-ધીમે સ્ટેડિયમમાં પ્રવેશ આપવાની શરૂઆત કરી દેવામાં આવશે. સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સ્ટેડિયમની અંદર અને બહાર ગોઠવવામાં આવ્યો છે. કડક બંદોબસ્ત વચ્ચેથી સ્ટેડિયમમાં જે પણ લોકો મેચ જોવા માટે આવી રહ્યા છે, તેઓને માત્ર પર્સ, મોબાઈલ અને ચાવી આટલી જ ચીજવસ્તુઓ લઈને પ્રવેશ આપવામાં આવશે.