નવી દિલ્હી : NEET પરીક્ષાને લઈને NTA વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજીઓનો પૂર આવ્યો છે. મેડિકલ વિદ્યાર્થીઓનું આંદોલન શેરીઓથી લઈને સોશિયલ મીડિયા સુધી ચાલુ છે. આજે સુપ્રીમ કોર્ટમાં NEET પરીક્ષાને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કાઉન્સેલિંગ અને પુનઃ પરીક્ષા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો અને પરીક્ષામાં ગેરરીતિના આરોપો પર કોર્ટે પરીક્ષા આયોજક એજન્સી NTAને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે.આ મામલે આગામી સુનાવણી 8 જુલાઈના રોજ થશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ સુપ્રીમ કોર્ટે NEET કાઉન્સિલિંગ પર પ્રતિબંધ મૂકવાની અરજીને ફગાવી દીધી છે. આ અરજી વિદ્યાર્થી શિવાંગી મિશ્રા અને 9 વિદ્યાર્થીઓ દ્વારા 1 જૂને પરિણામની જાહેરાત પહેલા દાખલ કરવામાં આવી હતી. જો કે, મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પહેલા તેની સુનાવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે ઘણી અરજીઓમાં NEETના પરિણામને રદ કરીને ફરીથી પરીક્ષા યોજવાની માંગ કરવામાં આવી છે. ત્યારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે NTA ને કડક શબ્દોમાં કહ્યું કે પરિણામમાં ગેરરીતિના આરોપો બાદ પરીક્ષાની પવિત્રતા પર સવાલો ઉભા થયા છે અને અમને આના જવાબની જરૂર છે. જો કે, સુપ્રીમ કોર્ટે NEET UG 2024ની કાઉન્સેલિંગ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. હવે આ કેસની આગામી સુનાવણી 8મી જુલાઈએ થશે.જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનતુલ્લાની બેંચ આ કેસની સુનાવણી કરી રહી હતી.
તમને જણાવી દઈએ કે NEET UG પરીક્ષાનું પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવ્યું હતું. 720માંથી 720 માર્કસ મેળવનાર 67 વિદ્યાર્થીઓ હતા. તેમાંથી 6 એક જ પરીક્ષા કેન્દ્રના છે. આવી સ્થિતિમાં પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપો થવા લાગ્યા છે. NTA પર પરીક્ષામાં અનિયમિતતા અને ગ્રેસ માર્ક્સ અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ અને ઘણી સંસ્થાઓનું કહેવું છે કે પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિઓ થઈ રહી છે, તેથી ફરીથી પરીક્ષા યોજવાની જરૂર છે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે 720માંથી 718 અને 719 માર્ક્સ મેળવવું અશક્ય છે. તે જ સમયે, પરીક્ષામાં વિલંબના કિસ્સામાં ગ્રેસ માર્ક્સ આપવા પાછળનું કારણ કેટલાક વિદ્યાર્થીઓને બેકડોર એન્ટ્રી આપવાનો પ્રયાસ છે. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એજન્સી દ્વારા 29 એપ્રિલે પ્રકાશિત કરવામાં આવેલી આન્સર કીમાં ખામીઓ છે. 5 મેના રોજ લેવાયેલી પરીક્ષામાં પણ પેપર લીક થયાની ફરિયાદો ઉઠી હતી.