અમદાવાદ : અમદાવાદમાં ભયજનક મકાનો અચાનક ધરાશાયી થવાની ઘટનાઓને લઈ નાગરિકોમાં ભય પ્રસરી ગયો છે. ત્યારે નવા વાડજ વિસ્તારમાં આવેલ હરિઓમ એપાર્ટમેન્ટમાં એક ફ્લેટની છત ધડાકાભેર નીચેના ફ્લેટમાં ધરાશયી થતાં એક મહિલાને નીચે પટકાતા ઈજાગ્રસ્ત થતા 108 બોલાવી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, વહેલી સવારે બનેલ આ દુર્ઘટનાથી સોસાયટીમાં રહેતા લોકોમાં અફડાતફડી મચી ગઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ નવા વાડજમાં હાઉસીંગ બોર્ડના હરિઓમ એપાર્ટમેન્ટમાં વહેલી સવારે 8-00 કલાકે બ્લોક નં-75 ના એક ફ્લેટમાં અચાનક જ આખે આખી છત ધડાકારભેર એકાએક ધરાશયી બની હતી, જોકે આ સમયે નીચે રહેતા ફ્લેટમાં પરિવારજનો બીજા રૂમમાં હોવાને કારણે મોટી જાનહાની ટળી હતી.પરંતુ ઉપરના માળે રહેતા એક મહિલા નીચે પટકાવાથી ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, અહીં તમને જણાવી દઈએ કે નીચેના ફ્લેટમાં રિપેરિંગનું કામ ચાલતું હોવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પણ મનાઈ રહ્યા છે.આ ઘટનાને લઈને હરિઓમ એપાર્ટમેન્ટના રહીશોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.વહેલી સવારે બનેલી ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.
સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ફ્લેટ 40 થી 45 વર્ષ જુના છે. દર સપ્તાહે એકાદ બે આવી દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે, મુઠીભર લોકોના કારણે રિડેવલપમેન્ટનું કામ અટક્યું છે, ફ્લેટમાં મોટાભાગના લોકો રિડેવલપમેન્ટ કરાવવા માંગે છે, મોટાભાગના ફ્લેટમાં બન્યા બાદ તેનું રિનોવેશન નહીં થતાં અનેક ફ્લેટ ઘણા સમયથી જર્જરિત અવસ્થામાં છે.વરસાદના કારણે ખાસ કરીને બિસમાર હાલતમાં મુકાયેલાં મકાનો સામે ગમે ત્યારે પત્તાનાં મહેલની જેમ ધરાશાયી થવાનું જાેખમ તોળાઈ રહ્યું છે.
હરિઓમ એપાર્ટમેન્ટના પ્રમુખ કુકાભાઈ ભરવાડના જણાવ્યા મુજબ ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા હરિઓમ એપાર્ટમેન્ટના ફ્લેટોમાં જર્જરીત ઇમારતોને માત્ર દેખાડા પૂરતી નોટિસ આપી છે. એકબાજુ ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા હરિઓમ એપાર્ટમેન્ટનું રિડેવલપમેન્ટનું ટેન્ડર બહાર પડાયું છે, પરંતુ રહીશો મોટા બાંધકામના ફ્લેટ માંગી રહ્યા છે, જેના કારણે સમગ્ર રિડેવલપમેન્ટની પ્રક્રિયા અટકી પડી છે, આ ફ્લેટમાં મોટાભાગના ફ્લેટ રહીશો માટે જોખમી છે.
હરિઓમ એપાર્ટમેન્ટમાં રહેતા એક વૃદ્ધે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ફ્લેટ 40 થી 45 વર્ષ જુના થઇ ગયા છે ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં છે. ફ્લેટમાં અવારનવાર છત અને ગેલેરી તુટી પડી જવાના બની રહ્યા છે, અમારી સોસાયટીમાં અનેક ફ્લેટમાં છત અને ગેલેરીમાં નીચેથી સળીયા બહાર દેખાય છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મોટાભાગના રહીશો જીવન જોખમે રહે છે.
મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા આવાં મકાનોને તાત્કાલિક રિપેર કરવા અથવા તેના ભયજનક ભાગને ઉતારી લેવા માટે જાહેર ચેતવણી આપવામાં આવે છે. તેમ છતાં અનેક વખત લોકો જીવને જાેખમમાં મૂકીને પણ તેમાં રહેતા હોય છે.જાેકે આવાં ભયજનક મકાનો અંગે મ્યુનિસિપલ તંત્રએ તાત્કાલિક પગલાં લેવાં જાેઈએ તેવી રહીશો માંગણી કરી રહ્યા છે.