અમદાવાદ : અમદાવાદ શહેરમાં અકસ્માતની બે અલગ અલગ ઘટનાઓમાં, એક હાટકેશ્વર બ્રિજ નીચે, જયારે બીજી એસજી હાઈવે પર અકસ્માતના બે ઘટનાઓમાં 60 વર્ષીય વ્યક્તિ સહિત બેનાં મોત નીપજ્યાં હતાં. હાટકેશ્વર બ્રિજ પાસે રોડ ક્રોસ કરી રહેલા સિનિયર સિટીઝનને રિક્ષાએ ટક્કર મારી હતી. જ્યારે એસજી હાઈવે પર એટીએસ કટ પાસેથી રોડ ક્રોસ કરી રહેલા પુરુષનું પિકઅપ વાનની ટક્કરથી મોત નીપજ્યું હતું. બંને અકસ્માત મામલે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમરાઈવાડીની ભક્તિ પોળમાં રહેતા 60 વર્ષીય પ્રકાશભાઈ ડીગે છૂટક મજૂરી કામ કરતા હતા. ગત 19 તારીખે સવારના સમયે કામ અર્થે તેઓ હાટકેશ્વર બ્રિજ નીચે ગયા હતા. જ્યાંથી તેઓ ચાલતા રોડ ક્રોસ કરી રહ્યા હતા, તે સમયે પૂરપાટ ઝડપે આવેલી એક રિક્ષાએ પ્રકાશભાઈને ટક્કર મારી હતી, જેના કારણે પ્રકાશભાઈ જમીન પર પટકાયા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાથી આસપાસના લોકો ભેગા થઈ જતા અકસ્માત કરનારો રિક્ષાચાલક જ પ્રકાશભાઈને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બીજી બાજુ 6 દિવસની સારવાર બાદ ફરજ પરના ડોક્ટરે પ્રકાશભાઈને મૃત જાહેર કર્યા હતા. આ મામલે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માત કરનારા રિક્ષાચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
જ્યારે બીજી ઘટનામાં યુવક શુક્રવારે રાત્રીના સમયે વૈષ્ણદેવીથી ગોતા તરફ જતા એસજી હાઈવે રોડ પર એટીએસ કટની સામેથી રોડ ક્રોસ કરી રહ્યો હતો તે સમયે ઓવરસ્પીડમાં આવેલી એક પિકઅપ વાને પુરુષને ટક્કર મારી હતી, જેથી હવામાં ફંગોળાઈને તે જમીન પર પટકાતાં ઇજાગ્રસ્ત થયો હતો.તેનું પણ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. આ મામલે એસજી હાઈવે ટ્રાફિક પોલીસે ફરાર પિકઅપવાન ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. તો બીજી બાજુ મૃતકની ઓળખ કરવાની પણ કાર્યવાહી શરૂ કરાઈ છે.