અમદાવાદ : આજના સોશિયલ મીડિયાના ફાસ્ટેજ લાઈફમાં સોશિયલ મીડિયામાં મળેલા લગ્નના વાયદા ભાગ્યે જ પૂરા થતા હોય છે. ત્યારે મણિનગરની યુવતીને ઇન્સ્ટાગ્રામ મારફતે જામનગરના છોકરાનો સંપર્ક થયો હતો. તે શખ્સે યુવતીને લગ્નની લાલચ આપી અનેકવાર દુષ્કર્મ આચર્યું, ગિફ્ટો, મોબાઇલ ફોન અને રૂપિયાની જરૂર છે કહીને યુવતી પાસેથી કુલ રૂ.11.38 લાખ પણ પડાવ્યા હતા. યુવતીએ વારંવાર લગ્ન કરવાનું કહેતા યુવકે ઝઘડો કરી ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. તેથી યુવતીએ યુવક વિરુદ્ધ દુષ્કર્મની પોલીસ ફરિયાદ કરી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મણિનગરમાં રહેતી 35 વર્ષીય યુવતી નાસ્તાની લારી ધરાવી ધંધો કરે છે. જેમાં યુવતી ઇન્સ્ટાગ્રામ વાપરતી હતી ત્યારે વર્ષ 2021માં તેની પર જામનગરના ભાગ્યરાજ સિંહ જાડેજાની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જેથી યુવતીએ એક્સેપ્ટ કરતા બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. ત્યારબાદ બંનેએ એકબીજાના નંબરની આપલે કરી હતી અને પ્રેમ સંબંધ બંધાયો હતો. જે બાદ ભાગ્યરાજ સિંહ યુવતીને મળવા માટે અમદાવાદ મણિનગર આવતો હતો. તે સમયે શખ્સે યુવતીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતુ.
આ બાદ શખ્સે અવારનવાર યુવતીને લગ્નની લાલચ આપીને રાજકોટ ખાતે હોટલમાં લઈ ગયો હતો અને ત્યાંપણ દુષ્કર્મ આચર્યું હતુ. આટલું જ નહિ શખ્સે યુવતીને પ્રેમજાળમાં ફસાવીને રૂપિયાની જરૂર છે કહીને અનેક વસ્તુઓની માંગણી શરૂ કરી હતી. શખ્સે ગિફ્ટો, મોબાઇલ અને ટુકડે-ટુકડે યુવતી પાસેથી કુલ રૂ. 11.38 લાખ પડાવી લીધા હતા.જે બાદ યુવતીએ લગ્ન કરવાનું કહેતા શખ્સે ઝઘડો કરીને લગ્ન નથી કરવા કહીને ફોન ઉપાડવાનું બંધ કર્યુ હતુ.
જેથી કંટાળીને યુવતીએ પ્રેમી ભાગ્યરાજ સિંહ સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ લઈને કાર્યવાહી શરૂ કરી છે અને આરોપી યુવકની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ સાથે ફરિયાદી દ્વારા કરવામાં આવેલ આરોપને લઈ પુરાવા એકત્રિત કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. ત્યારે પોલીસની તપાસ બાદ વધુ ખુલાસાઓ સામે આવી શકે તેમ છે.