અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખૂબ જ દુર્લભ કહી શકાય તેવી સર્જરી કરીને બાળકીને પીડામુક્ત કરવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં ડોક્ટરો દ્વારા ફરી એકવાર જટિલ સર્જરી કરીને માસૂમ બાળકીનો જીવ બચાવવામાં આવ્યો છે. ખૂબ જ દુર્લભ ગણાતી એવી અવિકસિત ગર્ભની જન્મજાત ખામીને 3 કલાકની અત્યંત જટીલ સર્જરી દ્વારા સિવિલ હોસ્પિટલનાં પીડિયાટ્રિક સર્જરી વિભાગનાં ડોક્ટરો દ્વારા દૂર કરવામાં આવી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, હાલ સુરત અને ગીર સોમનાથનાં વતની એવા માલદેવભાઈ અને જયાબેનની 15 મહિનાની પુત્રી યશ્રી વાજાને 5 જુલાઈ 2024થી ઝાડા અને ઉલટીની ફરિયાદ હતી. સોનોગ્રાફી કરાવતા યશ્રીના પેટમાં જમણી બાજુ પેટની દિવાલના આવરણના પાછળના ભાગમાં ગાંઠ હોવાનું તબીબોને જાણવા મળ્યું હતું. ત્યાર બાદ 15 મહિનાની યશ્રીને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે સુરતથી રીફર કરવામાં આવી હતી.
સિવિલ હોસ્પિટલનાં પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં તેણીની સંપૂર્ણ તપાસ કર્યા બાદ ડૉક્ટર રાકેશ જોશી, HoD, પીડિયાટ્રિક સર્જરી વિભાગ અને મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ તેમ જ એનેસ્થેસિયા વિભાગનાં ડોક્ટર રમિલા (પ્રોફેસર) અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. નિરખી શાહની આગેવાની હેઠળની ટીમે સફળ ઓપરેશન કરી 220 ગ્રામ તેમ જ 8.5X10.7X15 સેમીની ગાંઠને બહાર કાઢીને બાળકીનો જીવ બચાવ્યો હતો. સતત ત્રણ કલાકની જટિલ સર્જરી આ 15 મહિનાની યશ્રી પર કરવામાં આવી હતી.
સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ અને પીડિયાટ્રિક સર્જરી વિભાગનાં વડા ડોક્ટર રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, જયારે બે જોડિયા ગર્ભમાંથી એક ગર્ભ વિકસિત થઇ બાળક બને અને બીજું ગર્ભ અવિકસિત રહી વિકસિત બાળકનાં પેટમાં ગાંઠ તરીકે રહી જાય તેવી જન્મજાત ખામીને તબીબી વિજ્ઞાનની ભાષામાં Fits in Fitu કહેવાય છે. આ એક અત્યંત દુર્લભ જન્મજાત ખામી છે, જે 5 લાખ જીવિત બાળકોમાંથી એક કરતાં પણ ઓછા બાળકમાં જોવા મળે છે. આખા વિશ્વમાં અત્યાર સુધીમાં આવા માત્ર 200 જેટલા કેસો જ નોંધાયા છે. ઓપરેશન પછીનો સમય કોઈ પણ તકલીફ વગરનો અને ઝડપથી સારું થતાં યશ્રીને રજા આપવામાં આવી હતી.