અમદાવાદ : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલની ઘોર બેદરકારી સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.DEOની મંજૂરી વિના શાળાએ વિદ્યાર્થીઓને એક પ્રવાસનું આયોજન કરાવ્યું હતું. જ્યાં વિદ્યાર્થીઓને વોટર પાર્કમાં લઈ જવામાં આવ્યા હતા.જોકે ગત વર્ષે વડોદરાના હરણી બોટ કાંડની ઘટના શાળાઓને પ્રવાસના આયોજન માટે જિલ્લા શિક્ષણ અધિકારીની પરવાનગી લેવી ફરજિયાત છે તેમ છતાં જિલ્લા શિક્ષણ અધિકારીની પરવાનગી વગર જ શાળાએ પ્રવાસનું આયોજન કરતા શાળા વિવાદમાં સપડાઈ છે. ગત વર્ષે વડોદરામાં હરણી તળાવમાં બોટ પલટી જવાની ઘટના બની હતી. જેમાં બાળકોના કરૂણ મોત નીપજ્યા હતા.
આ ઘટના બાદ શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી શાળાના પ્રવાસના આયોજન પર રોક લગાવી દેવામાં આવી હતી એટલું જ નહીં શાળાઓના પ્રવાસ માટે એક એસઓપી બનાવવાની પણ વાત કરવામાં આવી હતી. જે SOP હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આ સાથે જ જે શાળાઓએ પ્રવાસનું આયોજન કરવાનું હોય તેઓએ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની પરવાનગી લેવી ફરજિયાત કરવામાં આવી હતી. તેમ છતાં અમદાવાદના મણિનગર વિસ્તારની સેવનથ ડે સ્કૂલ દ્વારા ગત 29 સપ્ટેમ્બરના રોજ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રવાસમાં ધોરણ 9 થી 11ના 200 બાળકોને મહેસાણાના વોટરપાર્કમાં પ્રવાસ માટે લઈ જવામાં આવ્યા હતા. સ્કૂલ દ્વારા કરવામાં આવેલા આ પ્રવાસના આયોજન અંગે જિલ્લા શિક્ષણ અધિકારી પાસેથી કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નહીં હોવાથી સ્કૂલ વિવાદમાં સપડાઈ છે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, સ્કૂલ સંચાલકોને પૂછતા તેઓએ જણાવ્યું કે, તેઓએ પ્રવાસ માટે જિલ્લા શિક્ષણ અધિકારીમાં અરજી કરી હતી, પરંતુ કચેરી દ્વારા તેઓને કોઈ મંજૂરી આપવામાં આવી ન હતી એટલે કે તેઓએ સ્વીકાર્યું કે વિદ્યાર્થીઓને મંજૂરી વગર જ પ્રવાસ લઈ જવામાં આવ્યા હતા.
ત્યારે શાળાની આ બેદરકારી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. મંજૂરી લેવાની ફરજિયાત છે તેમ છતાં DEOના સર્ક્યુલરનો અનાદર કરતા અમદાવાદની આ શાળાને નોટિસ પાઠવવામાં આવી છે. વિદ્યાર્થી દીઠ શાળાને 10 હજારનો દંડ કેમ ન કરવો તેનો ખુલાસો માંગવામાં આવ્યો છે. પ્રવાસ બાદ કેટલાક વિદ્યાર્થીઓનું આરોગ્ય બગળ્યું હોવાનું પણ સામે આવ્યું છે.મંજૂરી વગર પ્રવાસનું આયોજન કરનાર સેવનથ ડે સ્કુલ સામે DEO પોલીસ ફરિયાદ કરશે. સ્કૂલને વિદ્યાર્થી દીઠ 10 હજારનો દંડ થઈ શકે છે તે મુજબ 200 વિદ્યાર્થીઓને પ્રવાસે લઇ જવા બદલ 20 લાખનો દંડ થઇ શકે છે.