અમદાવાદ: અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાંજાની હેરાફેરી કરનારા બે યુવકો ઝડપાયા છે. ચાંદખેડા પોલીસ વાહન ચેકિંગની કામગીરી કરી રહી હતી તે દરમિયાન એક સ્કૂટર ઉપર પસાર થતાં બે શંકાસ્પદ યુવકોને રોકવામાં આવ્યા હતા. જે યુવકોની પાસે રહેલા થેલામાં પોલીસે તપાસ કરતા ગાંજાના છોડ મળી આવ્યા હતા. આ મામલે ચાંદખેડા પોલીસે 14 કિલો 250 ગ્રામ જેટલો ગાંગાનો જથ્થો કબજે કરી ચાંદખેડા પોલીસ મથકે ગુનો દાખલ કર્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ચાંદખેડા પોલીસે બાતમીના આધારે મોટેરામાંથી સ્કૂટર પર જતા કિશનલાલ રેગર અને કમલેશ રેગરને રોક્યા હતા. બંનેની તપાસ કરતા તેમની પાસેના થેલામાંથી 14,250 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આરોપી મૂળ રાજસ્થાનના રહેવાસી છે. આરોપી રાજસ્થાનના ભિલવારા પાસેથી લક્ષમણ સાલવી નામના શખસ પાસેથી ગાંજો લાવ્યા હતા. જે અમદાવાદ સુભાશબ્રિજ પાસે પ્રવીણ નામના વ્યક્તિને આપવાના હતા. જોકે, આરોપીઓ ગાંજાની ડિલિવરી આપે તે અગાઉ જ પોલીસે આરોપીઓને ઝડપી પાડયા છે.ઝડપાયેલા આરોપીઓની પૂછપરત કરતા સામે આવ્યું કે કિશન રેગર રાજસ્થાનથી લક્ષ્મણ સાલવી નામના શખ્સ પાસેથી આ ગાંજાનો જથ્થો લાવ્યો હતો. તે રાજસ્થાનથી ટ્રકમાં બેસી આ ગાંજો અમદાવાદ લાવ્યો હતો અને કમલેશ તેને લેવા ગયો હતો.
ઝડપાયેલો ગાંજો અમદાવાદમાં પ્રવીણ નામના એક વ્યક્તિને પહોંચાડવાનો હતો.આરોપીઓમાં કિશન રેગર અગાઉ માધુપુરામાં વાહનચોરીના ગુનામાં પણ પકડાઈ ચૂક્યો હોય તેવામાં ચાંદખેડા પોલીસે ગાંજાનો જથ્થો અને બે મોબાઈલ ફોન તેમજ સ્કૂટર સહિત 1.72 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે. જોકે આ ગાંજો આપનાર અને મંગાવનાર બંનેના ઝડપાયા બાદ અનેક ખુલાસાઓ થઈ શકે છે.