અમદાવાદ : આગામી તા. 7મી ડિસેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં બોચાસણવાસી અક્ષર પુરૂષોતમ સ્વામિનારાયણ સંસ્થાના એક લાખ કાર્યકરો એકઠા થશે. તા. 7મીના પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતી છે અને એ જ દિવસે કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવવામાં આવનાર છે. જેમા દેશ-વિદેશના 1 લાખ હરિભક્તો ઉપસ્થિત રહેશે. એટલું જ નહીં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહે તેવી શક્યતા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં શાહીબાગ મંદિર બહાર બોર્ડ લગાવાયું અમદાવાદના શાહીબાગ સ્થિત BAPS મંદિરના ગેટ નં.2 પાસે કાર્યકર સુવર્ણ મહોત્સવનું બોર્ડ લગાવાયું છે. જેમાં 1972 થી 2022ના 50 વર્ષ નિમિત્તે કાર્યકર સુવર્ણ મહોત્સવનું આયોજન થવાનું છે તેવું દર્શાવાયું છે. BAPSના વડા મહંત સ્વામીની હાજરીમાં કાર્યક્રમ સંપન્ન થશે.પુરૂષો અને મહિલા માટે ડ્રેસ કોડ કાર્યકર સુવર્ણ મહોત્સવ માટે કાર્યકરોને ખાસ ડ્રેસ કોડ અપાયો છે. પુરૂષ કાર્યકરોએ કાળા કલરનું પેન્ટ પહેરવાનું રહેશે. તેમને સંસ્થા તરફથી જર્સી પણ અપાશે. જ્યારે મહિલાઓને ડ્રેસ પહેરવાની સૂચના આપવામાં આવી છે તેવી હરિભક્તોમાં ચર્ચા છે.
1 ડિસેમ્બરથી કાર્યકરો સ્ટેડિયમનો કબજો લેશે દેશ-વિદેશથી આવેલા 1 લાખ કાર્યકરો અને હરિભક્તો કાર્યક્રમમાં ભાગ લેવાના હોવાથી કોઇ મોટી જગ્યાની જરૂર હતી. જેના કારણે અમદાવાદના સાબરમતીમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પસંદગી કરાઇ છે. સંસ્થાએ સ્ટેડિયમને ભાડે રાખી લીધું છે. તૈયારી માટે કાર્યક્રમના 5-6 દિવસ અગાઉ એટલે કે 1 ડિસેમ્બર આસપાસથી સંસ્થાના કાર્યકરો સ્ટેડિયમનો કબજો લઇ લેશે અને ભવ્યાતિભવ્ય કાર્યક્રમની તૈયારીમાં લાગી જશે. કાર્યક્રમની સત્તાવાર રૂપરેખા હવે પછી જાહેર થશે.