અમદાવાદ : અમદાવાદના નારોલ-નરોડા રોડ પર ઠક્કરબાપાનગર બ્રિજ પાસે ડ્રેનેજ રિપેરિંગની કામગીરી દરમિયાન CNG-PNG ગેસની પાઈપલાઈનમાં આગ લાગવાની ઘટના બની હતી. ગેસ લીકેજ થતાની સાથે જ પાનનો ગલ્લો બાજુમાં હતો ત્યારે ત્યાં સિગારેટ કે અન્ય જ્વલનશીલ પદાર્થના કારણે આગ લાગી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના ઠક્કરબાપાનગર બ્રિજની નીચેના ભાગે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજની કામગીરી ચાલી રહી હતી. ત્યાં બાજુમાંથી CNG-PNG ગેસની પાઈપલાઈન પસાર થતી હતી. આ ગેસની પાઇપલાઇનમાં કાણું પડ્યું હતું. જેના કારણે ગેસ લીકેજ થયો હતો. આ ગેસ લાઈનની નજીકમાં જ પાનનો ગલ્લો અને સેન્ડવીચની દુકાન આવેલી છે. ત્યારે કોઇ જ્વલનશીલ પદાર્થના સંપર્કમાં ગેસ આવતાની સાથે જ આગ ફાટી નિકળી હતી.આગ લાગવાની સાથે જ વિસ્તામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પોલીસની સતર્કતા અને સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી !
અમદાવાદના ઠક્કરબાપા નગરમાં એલ.પી.જી. લાઈનમાં આગ લાગવાની ઘટના બની.
સમગ્ર ઘટના દરમિયાન રવિ બુગાડે નામના જવાન દ્વારા આસપાસની દુકાનોમાંથી ગેસ સિલિન્ડર બહાર ફેંકીને આગ સિલિન્ડર સુધી પહોંચે નહીં તેની તકેદારી લેતાં મોટી જાનહાની કે… pic.twitter.com/hHVEWoDv3O
— Gujarat Police (@GujaratPolice) November 11, 2024
આ સમયે ટ્રાફિક બીટ પર હાજર રહેલા પોલીસ કર્મીઓ પણ તાત્કાલિક ત્યાં દોડી ગયા હતા. સેન્ડવીચ અને પાનના ગલ્લાની દુકાનમાં આગ વધારે ન ફેલાય તેના માટે સેન્ડવીચના ગલ્લામાં રહેલા બે જેટલા ગેસના બાટલા પણ ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ બહાર કાઢી લીધા હતા. આગ લાગી ત્યારે પાનના ગલ્લામાં રોજનો વકરો 1.50 લાખ જેટલો હતો. વકરાની 1 લાખ જેટલી રકમ ફાયરબ્રિગેડના જવાનોએ બચાવી અને માલિકને પરત આપી હતી. ત્યારે ટ્રાફિક પોલીસની કામગીરીને સ્થાનિકોએ વધાવી લીધી હતી.
આ ઘટનામાં બે લોકોને સામાન્ય ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આસપાસના લોકો દ્વારા ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી.