અમદાવાદ : અમદાવાદના બોપલમાં 10 નવેમ્બરે કાર ધીમી ચલાવવાની ટકોર કરવા જેવી નજીવી બાબતે MICAના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની છરીના ઘા મારીને હત્યા કરાઇ હતી. આ કેસમાં પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેમાં છરીના ઘા મારનાર વિરેન્દ્ર લંગડાતો લંગડાતો આવ્યો હતો. તેને હાથે દોરડા બાંધી લવાયો હતો. મહત્વપૂર્ણ છે કે આરોપી કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહે જ્યાં હત્યા કરી ત્યાંથી માત્ર 300 મીટર દૂર જ તેનું ઘર છે.
માઇકામાં એમ.બી.એ.નો અભ્યાસ કરતા પ્રિયાંશુ જૈનની હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યા બાદ પોલીસની ટીમ આરોપીને પકડવા માટે કામે લાગી હતી. અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે સીસીટીવી અને ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીની પંજાબથી ધરપકડ કરી છે. આરોપી વિરેન્દ્ર પઢેરિયા સરખેજ પોલીસ સ્ટેશનમાં ઇન્વે.માં ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે. આરોપીની ધરપકડ બાદ ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં અનેક હકીકતો સામે આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જ્યારે આ બનાવ બન્યો તે સમયે અન્ય એક પોલીસ કર્મી પણ તેની સાથે હતો. જોકે આ બનાવમાં તેની કોઈ ભૂમિકા છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થી પર હુમલો કર્યા બાદ આરોપી પોલીસ કર્મી તેના ઘરે પહોંચ્યો હતો. અને ત્યાંથી તેણે ખાનગી ગાડીમાં ગુજરાત છોડ્યું હતું. સૌપ્રથમ તે ટ્રાવેલર્સમાં અને ત્યારબાદ બે અલગ અલગ ગાડીઓ બદલીને પંજાબ સુધી પહોંચ્યો હતો. જ્યારે છરી તેણે અવાવરૂ જગ્યાએ ફેંકી દીધી હતી. હત્યા કર્યા બાદ તેણે પોતાની ગાડી પણ ઘરની પાસે જ પાર્ક કરી દીધી હતી. અને ફરવા જઈ રહ્યો હોવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો.
તો આ તરફ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે મૃતક યુવાનના પિતા પંકજભાઈ જૈનને આશ્વાસન આપ્યું છે કે, ગુનેગાર ભલે પોલીસકર્મી હોય, પરંતુ તે ગુનેગાર છે એટલે તેની સાથે ગુજરાત પોલીસ તરફથી ગુનેગાર જેવું જ વર્તન થશે. ગુનેગાર પોલીસકર્મી સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને ખૂબ જ ટૂંકા સમયમાં સમગ્ર કેસની ચાર્જશીટ કરવામાં આવશે. પોલીસકર્મી દ્વારા ગુનાને અંજામ આપવામાં આવ્યો તે વાતનો ખેદ વ્યક્ત કરી વિકાસ સહાયે મૃતક યુવાનના પરિવારને ઝડપી અને સચોટ ન્યાય અપાવવા ખાતરી આપી છે.