અમદાવાદ : અમદાવાદના વાડજ વિસ્તારમાં 73 વર્ષીય વૃદ્ધાની આંખમાં મરચાની ભૂકી નાંખી લૂંટનો કેસ પોલીસે ગણતરીના સમયમાં જ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ ઘટનામાં સામેલ 24 વર્ષીય યુવતી તેમજ તેના પ્રેમીની ધરપકડ કરી છે.ઉલ્લેખનીય છે કે, પ્રેમિકાના છૂટાછેડા થયા હોવાથી પૈસાની જરૂરિયાતથી લુંટ કરવાનો કારસો ઘડ્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શાંતિનગર સોસાયટીમાં રહેતા પરાગબેન શાહ નામનાં 73 વર્ષીય વૃદ્ધા સાથે લુંટના પ્રયાસ ઘટના બની હોવાનો બનાવ વાડજ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયો હતો.15 નવેમ્બરના વહેલા સવારે બુકાનીધારી મહિલાએ 73 વર્ષીય વૃદ્ધાના ઘરમાં પ્રવેશી તેઓની આંખમાં અને મોમાં મરચું નાખ્યું હતું. જે બાદ વૃદ્ધાને ઘરનાં બાથરૂમમાં પુરવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં ઝપાઝપી દરમિયાન વૃદ્ધાને સામાન્ય ઈજાઓ થઈ હતી. અંતે લુંટ કરવામાં નિષ્ફળ જતા બુકાનીધારી મહિલા ફરાર થઈ હતી. આ મામલે વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.પોલીસે ગણતરીના કલાકોમાં જ ચાંદલોડિયામાં રહેતા 24 વર્ષીય રાખી ખાંટ નામની યુવતી અને તેના પ્રેમી યશ ભાવસારની ધરપકડ કરી હતી.
પોલીસે બન્નેની પૂછપરછ કરતા રાખી ખાંટની માતા ઘટના બની તે ઘરમાં મેડ તરીકે લાંબા સમયથી નોકરી કરતી હતી. આ ઘર વિશે તેને તમામ માહિતી હતી. રાખી ખાંટના પ્રેમલગ્ન થયા હતા જેમાં લૂંટના પ્રયાસને અજામ આપ્યો તે જ દિવસે તેણે પતિ સાથે છૂટાછેડા લીધા હતા. રાખીને યશ ભાવસાર સાથે પ્રેમસંબંધ હતો અને પતિ સાથે છૂટાછેડા બાદ પ્રેમી સાથે સારૂ જીવન જીવવા અને શોર્ટકર્ટમાં પૈસા કમાવવા માટે લૂંટનો પ્લાન ઘડ્યો હતો. આરોપી રાખી ખાંટ પોલીસ તપાસમાં બે બાળકની માતા હોવાનું પણ સામે આવ્યું છે.