અમદાવાદ : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર હિટ એન્ડ રન અકસ્માતમાં મહિલા કોન્સ્ટેબલનું મૃત્યુ થયું હતું.અજાણ્યો કારચાલક મહિલા કોન્સ્ટેબલના એકટીવાને ટક્કર મારી ફરાર થઈ જતા તેઓ નીચે પટકાયાં હતા.શરીરે ગંભીર ઇજાઓ થવાના કારણે મહિલા કોન્સ્ટેબલનું મૃત્યુ થયું હતું.આ અંગે ઝોન-2 LCB એ 20 કિમીના રૂટના સીસીટીવી ફૂટેજ તપાસીને કારચાલક સૃષ્ટિ માલુંસરે નામના મહિલાની ધરપકડ કરી છે.આરોપી મહિલા અકસ્માત બાદ પોતાના ઘરે નાસી ગયા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ખાડિયા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા શારદાબેન ડાભી ગુરુવારે મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બીએપીએસ સંસ્થાના કાર્યક્રમના પોલીસ બંદોબસ્તમાં ગયા હતા.બંદોબસ્ત પૂર્ણ કરી પોતાનું એકટીવા લઈને ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ પરથી તેઓ પસાર થતા હતા ત્યારે એક કારચાલક પાછળથી પૂરપાટ ઝડપે આવ્યો હતો અને શારદાબેનના એકટીવાને ટક્કર મારી હતી. ટક્કર વાગતાની સાથે તેઓ રોડ ઉપર પડ્યા હતા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. તેઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આરોપીને શોધવા આ વિસ્તારના 20 કિલોમીટર એરિયાના 150થી વધુ સીસીટીવી ચકાસ્યા હતા. જેને આધારે પોલીસે સ્વિફ્ટ ડિઝાયર કાર સાથે આરોપી સૃષ્ટિ માલસુરેની ધરપકડ કરી હતી.
આ બનાવ અંગે ફરાર આરોપીની શોધખોળ માટે ઝોન 2 ડીસીપીમાં LCB સ્કોડ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી હતી.ત્યારે પોલીસ દ્વારા 20 કિલોમીટર સુધીના રૂટના અલગ અલગ 150 થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. તે દરમિયાન ગાડીના નંબરના આધારે પોલીસ સ્વિફ્ટ ડિઝાઇર ગાડી ચાલક મહિલા સૃષ્ટિ માલુંસરેના ઘરે પહોંચી હતી.આરોપી શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતા હતા.બનાવના દિવસે તેઓ એરપોર્ટ પર પોતાના સંબંધીને મૂકીને પરત ફરી રહ્યા હતા.તે દરમિયાન તેમણે મહિલા કોન્સ્ટેબલને પોતાની કાર વડે ટક્કર મારી હતી.ટક્કર માર્યા બાદ તેઓ પોતાની ગાડી થોડી આગળ મૂકીને પરત જોવા માટે પણ આવ્યા હતા. પરંતુ મહિલા કોન્સ્ટેબલને ગંભીર ઈજા થઈ હોવાથી તેઓ ગભરાઈ ગયા હતા અને પોતાના ઘરે જતા રહ્યા હતા.પોલીસે આરોપીની તેમના ઘરેથી ધરપકડ કરી છે અને ટ્રાફિક પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.