મદાવાદ : અમદાવાદમાં AMC દ્વારા સાત ઝોનમાં ઝોન દીઠ ત્રણ એમ કુલ 21 પિન્ક ટોઈલેટ બનાવવા અંગે રોડ કમિટીમાં મંજુરી માટે મુકવામાં આવેલી તાકીદની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે. પાંચ વર્ષના ઓપરેશન અને મેઈન્ટેનન્સ સાથે પિન્ક ટોઈલેટ પાછળ કુલ દસ કરોડનો ખર્ચ કરવામાં આવશે.મ્યુનિસિપાલિટીના રોડ કમિટી ચેરમેને આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે પે એન્ડ યુઝ ટોઈલેટનો મહત્તમ મહિલાઓ ઉપયોગ ટાળતી હોવાનું જાણવા મળે છે. જેથી શહેરમાં મહિલાઓ બહાર કોઈ કામે નીકળે ત્યારે ટોઈલેટની ભારે અગવડ પડતી હોવાની રજૂઆતો મહિલા કોર્પોરેટરો અને સ્વૈચ્છિક સંસ્થાઓ તરફથી થઈ હતી. જેના પગલે ડ્રાફ્ટ બજેટમાં મહિલાઓ માટે અલાયદા પિંક ટોઈલેટ બનાવાની જોગવાઈ કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સાતેય ઝોનમાં પસંદ કરાયેલા 21 સ્થળો પર પિંક ટોઈલેટ બનાવાશે. જે કોન્ટ્રાક્ટર આ પિંક ટોઈલેટ બનાવશે તે 5 વર્ષ સુધી તેની દેખભાળ કરશે, જેના માટે અલગથી સાડા ચાર કરોડ જેટલી જંગી રકમ ચૂકવાશે. એકંદરે 21 પિંક ટોઈલેટ પાછળ કુલ રૂપિયા 10 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવશે. મહિલાઓને પિંક એટલે કે ગુલાબી કલર વધારે પસંદ હોવાથી આ તમામ ટોઈલેટને અંદર-બહાર પિંક કલરથી રંગવામાં આવશે. મહિલાઓ માટેના અલાયદા પિંક ટોઈલેટમાં કેરટેકર તરીકે પણ મહિલાઓને જવાબદારી સોંપવામાં આવશે. તેમજ આ ટોઈલેટમાં કોઈ પુરુષ પ્રવેશ કરે નહીં તેની સૂચના આપતા બોર્ડ લગાવાશે. જેથી કોઈ મહિલાને અડચણ પડે નહીં.