અમદાવાદ : અમદાવાદમાંથી અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે જેમાં જોધપુર ગામ પાસે આવેલ સ્ટાર બજાર પાસે દારૂ પીધેલા કાર ચાલકે ઓવર સ્પીડમાં BMW કાર ચલાવી BRTS રેલિંગ સાથે કાર અથડાવી હતી.અકસ્માતના પગલે સ્થાનિકોએ કાર ચાલકને મેથીપાક આપી પોલીસને સોંપ્યો હતો.પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રવિવારે રાત્રી સેટેલાઇટ વિસ્તારમાં સ્ટાર બજાર પાસે કારચાલકે BRTS રેલિંગ સાથે કાર અથડાવી હતી. જે બાદ લોકો એકઠા થઇ ગયા હતા.અને કારચાલકને કારની બહાર આવવા કહ્યું હતું.. દરમ્યાન કારચાલક દારૂ પીધેલી અવસ્થામાં હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ લોકોએ તેને મેથીપાક ચખાડ્યો હતો અને પોલીસને જાણ કરી હતી. ટ્રાફિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાર ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
કારચાલકની પૂછપરછ દરમિયાન પોતાનું નામ રજનીકાંત અગ્રવાલ હોવાનું જણાવ્યું હતું.પોલીસે કાર લઈને ક્યાંથી આવતો હતો અને ક્યાં જતો હતો તથા દારૂની મહેફિલ ક્યા કરી હતી તે દિશામાં વધુ પૂછપરછ શરૂ કરી છે. બીજી બાજુ અકસ્માતના કારણે ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ટ્રાફિક પોલીસે 20 મિનિટ સુધી કામગીરી કરી ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો.