અમદાવાદ : જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના સંયુક્ત ઉપક્રમે આઠ શાળા વિકાસ સંકુલના તજજ્ઞ શિક્ષકો દ્વારા ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલ પરીક્ષા પાથેય 2025 નું આજરોજ સાબરમતીના ધારાસભ્ય ડો. હર્ષદભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે રાણીપ ખાતે આવેલ સ્વામીનારાયણ ઈંટરનેશનલ સ્કુલ લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે વરિષ્ઠ માર્ગદર્શક મનુભાઈ રાવલ, ગુણવંતભાઈ પટેલ, માણેકભાઈ પટેલ તેમજ શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, રાણીપ ખાતે આવેલ સ્વામીનારાયણ ઈંટરનેશનલ સ્કુલ ખાતે લોકાર્પણ કરાયેલ ‘પરીક્ષા પાથેય 2025’ માં 08 એસ.વી.એસ. કન્વીનરશ્રીઓના નેતૃત્વમાં 90 શિક્ષકો દ્વારા પાંચ મુખ્ય વિષયો : ગણિત (સ્ટાન્ડર્ડ અને બેઝીક) વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી અને ગુજરાતી વિષયમાં પરીક્ષાલક્ષી પાથેય તૈયાર કરવામાં આવ્યું છે. પરીક્ષા પહેલાના સમયમાં તમામ વિદ્યાર્થીઓને રિવિઝન માટે ખૂબ જ ઉપયોગી થશે. વધુમાં આ પુસ્તિકામાં અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના તમામ પરીક્ષા સ્થળોના લોકેશન આપી દેવામાં આવેલ છે. જેનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓ અને વાલીઓ સરળતાથી સમયસર પહોંચી શકશે. પરીક્ષા પહેલાના દિવસોથી લઈને પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કેટલીક ટીપ્સ પણ આપવામાં આવેલ છે.
અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી ગ્રામ્ય કૃપા જહાએ જણાવ્યું કે, પરીક્ષાને હવે 15 દિવસ જેટલો સમય રહ્યો છે અને આ પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓને તૈયારીમાં કેવી રીતે અનુરૂપ થઈ શકાય તે પ્રયાસ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ માટે નિશાન સિદ્ધત્વ ટુ પોઈન્ટ ઝીરો નામની આ પરીક્ષા સાથે પુસ્તક છેલ્લી ઘડીએ પણ એ પ્રશ્નોને સોલ્વ કરી લેશે તો વિદ્યાર્થીઓ સારા એવા માર્ક્સ બોર્ડની પરીક્ષામાં મેળવી શકશે. જે તે વિષયના નિષ્ણાત શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રશ્નોની એક પુસ્તિકા બનાવી છે. જે વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી બનશે.
સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ સાહેબે અત્યંત સરળ શબ્દો અને શૈલીમાં ભૂતકાળનો ચિતાર આપીને વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓને સરકાર દ્વારા અપાતી વિવિધ સવલતો, વાલીઓ દ્વારા લેવામાં આવતી કાળજીનું વર્ણન કરીને એક માહોલ ઊભો કર્યો. સકારાત્મક વિચારો દ્વારા પોતાના સબકોન્શ્યસ માઈન્ડને કેવી રીતે નિયંત્રણમાં લઇ શકાય તે અંગે એક પ્રયોગ પણ દર્શાવ્યો હતો. પરીક્ષા પાથેયના નિર્માણ બદલ જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ ગ્રામ્ય શ્રીમતી કૃપાબેન જહા અને સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા.
જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ ગ્રામ્ય શ્રીમતી કૃપાબેન જહાએ શાબ્દિક સ્વાગત અને પ્રસંગ પરિચય આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન ડો. સ્નેહલ વૈદ્ય અને આભારવિધિ શિક્ષણ નિરીક્ષકશ્રી ઇન્દુબહેન ચાવડાએ કરી હતી.